ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર, RMCને લગાવી ફટકાર

  • હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડે હાથે લીધા
  • અગ્નિકાંડ મામલે ઇપીકો કલમ-302 હેઠળ કેમ હત્યાનો ગુનો દાખલ કરાયો નથી? – HC
  • ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારી પ્રસ્તુત કેસમાં દાખવાઇ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર, RMCને ફટકાર લગાવી છે. માત્ર નીચલા અધિકારી સામે જ કાર્યવાહી, કમિશનરો પર IPCની કલમ 302નો ગુનો કેમ નથી નોંધ્યો? તેમ પણ જણાવ્યું છે. તેમજ કમિશનરો એસી ચેમ્બરમાં બેસીને આવી દુર્ઘટનાઓમાં હાથ ઊંચા કરી દે એ કોઈ પણ સંજાગોમાં ચાલે નહીં તેવુ હાઈકોર્ટે જણાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 

હાઇકોર્ટે રાજય સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડે હાથે લીધા

રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડે હાથે લીધા હતા. ખાસ આ જ કેસની સુનાવણી માટે રચાયેલી ખાસ ખંડપીઠે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનરોને આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર ઠરાવતાં એક તબક્કે એટલે સુધી ફ્ટકાર લગાવી હતી કે, રાજકોટ મનપાના જવાબદાર તમામ કમિશનરો સામે આ અગ્નિકાંડ મામલે ઇપીકો કલમ-302 હેઠળ કેમ હત્યાનો ગુનો દાખલ કરાયો નથી? શા માટે માત્ર નીચલા અધિકારીઓ સામે જ કાર્યવાહી થઇ પરંતુ તમામ કમિશનરો સામે હજુ સુધી કેમ પગલાં નથી લેવાયા કે જયારે તેઓ જ ખરા જવાબદાર અને ગુનેગાર છે. તેઓ બધુ જ જાણતાં હતા અને છતાં કોઇ કાર્યવાહી કરી નથી અને તેના કારણે જ આખરે આ કરુણાંતિકા સર્જાઇ છે. સીટનો પ્રગતિ અહેવાલ આગામી 13 મી જૂનના રોજ રજૂ કરવા માટે ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે.

ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારી પ્રસ્તુત કેસમાં દાખવાઇ

રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાળાઓનો હાઈકોર્ટની ખંડપીઠે ઉધડો લેતાં વધુમાં જણાવ્યું કે, ખુદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો તરફ્થી દાખલ કરાયેલી એફિડેવિટમાં સ્વીકાર કરાયો છે કે, તેમના અધિકારીઓની ભૂલ, ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારી પ્રસ્તુત કેસમાં દાખવાઇ છે ત્યારે તેઓ મ્યુનિસિપલ કમિશનરો પોતે પણ એટલા જ જવાબદાર છે કારણ કે, તેઓ પોતે સમગ્ર કોર્પોરેશનના વડા છે અને તેમને જો બધી વાતની ખબર હતી તો તેમણે તાત્કાલિક પગલાં લેવા જોઇતા હતા પરંતુ તે લીધા નથી, તેથી હવે તેઓની સામે પગલાં લેવાવા જોઇએ. હાઇકોર્ટે એટલે સુધી ટકોર કરી હતી કે, શા માટે તત્કાલીન તમામ મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠરાવી સસ્પેન્ડ કેમ ના કરવા? શું મ્યુનિસિપલ કમિશનરો એસી ચેમ્બરમાં બેસી રહે અને આવી દુર્ઘટનાઓમાં હાથ ઉંચા કરી દે એ કોઇપણ સંજાગોમાં ચાલે નહી પ્રસ્તુત કેસમાં અધિકારીઓની તો બેદરકારી કે નિષ્કાળજી તો છે જ પરંતુ સૌથી પહેલી જવાબદારી અને નિષ્કાળજી તત્કાલીન તમામ મ્યુનિસિપલ કમિશનરોની બને છે. સરકાર દ્વારા કેમ તેઓની જવાબદારી નક્કી કરાઇ નથી? કમિશનરોની જવાબદારી નક્કી કરવી જ પડશે.

તમામ મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારી નક્કી કરી તેઓની વિરૂધ્ધ તમારે આકરા પગલાં લેવા જ પડશે

હાઇકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા કે, ટીઆરપી ગેમ ઝોન શરૂ થયુ ત્યારથી લઇ દુર્ઘટના બની ત્યાં સુધીના જવાબદાર તમામ મ્યુનિસિપલ કમિશનરોને સસ્પેન્ડ કેમ નથી કર્યા…? તમે રમત રમો છો અને બીજા ખાતાઓના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી પોતાની જવાબદારીમાં છટકી રહ્યા છો. આ દદનાક દુર્ઘટનામાં નિર્દોષ 28 લોકોના જીવ ગયા છે, તે રાજકોટના તમામ મ્યુનિસિપલ કમિશનરો સામે આઇપીસીની કલમ-302 હેઠળ હત્યાનો ગુનો કેમ દાખલ થયો નથી…?? રાજકોટ મનપા અને તેના કમિશનરોને ખબર હતી કે, ટીઆરપી ગેમ ઝોન ગેરકાયદે રીતે ચાલી રહ્યો છે તેમ છતાં કેમ પગલાં ના લીધા..? શું લોકોના જીવ જાય ત્યાં સુધી રાહ જોવાઇ..?? સરકારે હાઇકોર્ટનો મિજાજ જોતાં જણાવ્યું કે, જવાબદાર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક ટ્રાન્સફર કરી દેવાયા છે પરંતુ હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં સરકારને સુણાવ્યું કે, માત્ર ટ્રાન્સફર કરવી પૂરતું નથી, તમામ મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારી નક્કી કરી તેઓની વિરૂધ્ધ તમારે આકરા પગલાં લેવા જ પડશે.

Back to top button