રાજકોટમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા ત્રણ સગીર વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાઈ ગયા છે. મિત્રની બર્થડે પાર્ટી કરવા માટે તેઓએ ચોરી કરી હતી. પરંતુ પોલીસ ફરીયાદ થતાં પકડાઈ ગયા હતા.
કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી લોખંડની ચોરી કરી
મળતી માહિતી મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની પાછળ યોગીવંદના શેરી નં-1માં રહેતા અને ક્ધસ્ટ્રન્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા રણજીતભાઇ વજુભાઇ પીઠડિયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં રૈયા રોડ ઉપર તુલસી સુપર માર્કેટની સામે આવેલી પોતાની શ્રીહરિ એમ્પાયર નામની ક્નસ્ટ્રન્કશન સાઇટમાંથી 150 કીલો લોખંડના ભંગારની ચોરી થયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી હતી. આ ફરિયાદ નોંધાતા પીઆઇ એ.બી. જાડેજા દ્વારા પીએસઆઇ એ.બી. જાડેજાને તપાસના આદેશ આપ્યા હતા જેના પગલે પીએસઆઇ જાડેજા અને ડી-સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.
સીસીટીવી ફુટેજના આધારે ત્રણેય ઝડપાયા
દરમિયાન કનસ્ટ્રન્કશન સાઇટ ઉપર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં એક સફેદ કલરની આઇ-20 કારમાં ત્રણ યુવકો દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું જાણવા મળતાં તેના આધારે વધુ તપાસ શરુ કરતા ચોરી કરનાર ત્રણેય યુવકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન તેઓની પૂછપરછમાં તેઓ વિદ્યાર્થી હોવાનું અને શહેરની નામાંકિત શાળાઓમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા બે વિદ્યાર્થીઓ સગીરવયના અને ત્રીજો વિદ્યાર્થી કૃષ્ણપાલસિંહ કરણસિંહ વાઘેલા હોવાનું બહાર આવ્યું હતુ જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.
કાલાવડ રોડ ઉપર આવેલી હોટેલમાં મિત્રને પાર્ટી આપવી હતી
પોલીસ પૂછપરછમાં ચોરીના રવાડે ચડેલા ત્રણેય વિદ્યાર્થીઓને ચોરી કરવાનું કારણ પૂછતા તેઓએ જણાવ્યું હતુ કે, તેમના મિત્રનો બર્થડે હોવાના કારણે રાત્રે 12 વાગ્યે કેક કાપવા અને તે દિવસે સાંજે કાલાવડ રોડ ઉપર આવેલી એક હોટલમાં પાર્ટી કરી બધાને જમાડવા માટે પૈસા જોઇતા હોવાના કારણે આ ચોરીને તેઓએ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન તેઓની પાસેથી એક નંબરપ્લેટ વગરની આઇ-20 કાર કિંમત રૂ. પ લાખ જેનો ચોરીના બનાવમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કબજે કરવામાં આવી હતી. ઉપરાંત રૂ. 7500ની કિંમતનો 150 કિલો લોખંડની ખીલાસળીનો ભંગાર જે ચોરી કરવામાં આવ્યો હોય તે કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે કે, આ ચોરીનો મુદ્દામાલ જી.જે.03-એલજી-0582 નંબરની સ્કોર્પિયો કારમાં વેંચવાની ફિરાકમાં હોવાનું જણાવતા તે કાર કિંમત રૂ. 7 લાખની કબજે કરવામાં આવી હતી. હાલ પોલીસે રૂ. 12.07 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ 100 કિલો લોખંડની ચોરી કરી હતી, કોઇને જાણ ન થતાં ફરીથી હાથફેરો કર્યો
પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ બે સગીર સહિત ત્રણ વિદ્યાર્થીઓએ પૂછપરછમાં ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, તેઓ પાર્ટી અને મોજ-મસ્તીના રવાડે ચડી ગયા હોય પરંતુ વિદ્યાર્થીકાળમાં હોવાના કારણે પરિવારજનો દ્વારા ખર્ચા માટે પુરતા પૈસા આપવામાં આવતા ન હોય જેથી મોજશોખ કરવા માટે તેઓએ અગાઉ 100 કિલો લોખંડની ચોરી કરી હતી જે ચોરાઉ મુદ્દામાલ વેંચી પૈસા આવ્યા તેની ઉજવણી કરી નાખી હતી જે તે વખતે આ ચોરીના બનાવની કોઇને જાણ થઇ ન હોવાના કારણે અને રિસોર્ટમાં આ વખતે પણ બર્થડે પાર્ટી કરવા માટે રૂપિયાની જરૂરિયાત હોવાના કારણે આરોપી કૃષ્ણપાલસિંહે ફરીથી ચોરી કરવાની વાત કરતા બન્ને વિદ્યાર્થીઓ સહમત થયા હતા અને ત્રણેયે ફરીથી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો જેમાં તેઓ ઝડપાઇ ગયા હતા.
સંતાનો ચોરીના રવાડે ચડ્યા હોવાનું જાણવા મળતાં માતા-પિતાએ કહ્યું આ બનાવ પાછળ મોબાઇલનો ઉપયોગ કારણભૂત
યુનિવર્સિટી પોલીસ દ્વારા શહેરની નામાંકિત શાળાઓના બે સગીર સહિત ત્રણ વિદ્યાર્થીઓને ચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓની પૂછપરછમાં એક મિત્રની બર્થડે પાર્ટી કરવા માટે તેઓએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. ચોરી કરતા ઝડપાયેલા ત્રણેય વિદ્યાર્થીઓ સુખી-સંપન્ન પરિવારના સંતાનો હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે આ ત્રણેય વિદ્યાર્થીઓના પરિવારજનોને જાણ કરતા તેમનામાં રોષ વ્યાપી ગયો હતો અને સંતાનો ઉપર તેમણે ફિટકાર વરસાવી હતી આ વિદ્યાર્થીઓના માતા-પિતાએ જણાવ્યું હતુ કે, તેમના બાળકો ચોરીના રવાડે ચડ્યા છે તે જાણીને દુ:ખ થયું છે અને સમાજમાં તેઓની ઇજ્જત-આબરૂને ઠેંસ પહોંચી છે પરંતુ આ અમારી જ ભુલ છે કે, તેઓને છુટ્ટો દૌર આપ્યો છે અને મોબાઇલ વપરાશ તેમજ નાઇટ આઉટ કલ્ચર આ માટે જવાબદાર છે.