
- મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર તમામ સભ્યોના રાજીનામાં લેતાં ખળભળાટ
- સી.આર.પાટીલએ ગાંધીનગર બોલાવ્યા બાદ 24 કલાકમાં રાજીનામા લઇ લીધા
- શહેર ભાજપ કાર્યાલયમા રાજીનામા સુપ્રત
- આંતરિક ખેંચતાણ – કારસ્તાનો બહાર લાવવાની કાદવ ઉછાળ પ્રવૃત્તિને લઇ નિર્ણય લેવાયાની ચર્ચા
રાજકોટને વર્ષ–1973માં મહાનગરપાલિકાનો દરરજો મળ્યો ત્યારથી હાલ વર્ષ–2023 સુધીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રદેશ ભાજપના આદેશથી મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, સરકાર નિયુકત ત્રણ સભ્યો સહિત તમામ 15 સભ્યોના રાજીનામાં લઇ લેવાતા મહાનગરપાલિકા, રાજકોટ શહેર ભાજપ સંગઠન પાંખ અને સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભૂતકાળમાં કયારેય ન બની હોય તેવી સામુહિક રાજીનામાં લેવાની ઘટના પાછળ ખરેખર કયા કારણો જવાબદાર છે તે મામલે શહેરમાં જેટલા મોઢા એટલી વાતો થઇ રહી છે.
પાટીલે કાલે ગાંધીનગર બોલાવ્યા હતા
વિશેષમાં મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એકાદ વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અનેક આંતરિક વાદ–વિવાદો ચાલી રહ્યા હતા. છેલ્લા સમયગાળામાં તો આ વિવાદો અનેક વખત સપાટી ઉપર પણ આવ્યા હતા તેમજ ચેરમેન તથા અમુક સભ્યો ખુલ્લેઆમ આમને સામને આવી ગયા જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. દરમિયાન આ મામલો ગુજરાત પ્રદેશ ભાજપ સુધી પહોંચતા પ્રદેશ સંગઠન આ મુદ્દે હરકતમાં આવ્યું હતું અને ગઇકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ સમિતિના તમામ સભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બોલાવી ઠપકો આપ્યો હતો તેમજ શિસ્તમાં રહેવા તાકિદ કરી હતી.
આજે રાજીનામા લઈ લેવાયા
ત્યારે સભ્યો ગાંધીનગરથી રાજકોટ પરત ફર્યા બાદ તમામને તતત્કાલિક અસરથી સ્વૈચ્છિક રાજીનામાં આપી દેવા સૂચના અપાઇ હતી. જેના અનુસંધાને આજે સવારે તમામ સભ્યોને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી દ્રારા શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં આગળ તમામ સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા હતા.
સમિતિમાં કોણ કોણ હતું ? કોણે રાજીનામા આપ્યા
દરમિયાન આ અંગે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીએ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના લેટરપેડ ઉપર સત્તાવાર જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શિક્ષણ સમિતિના તમામ સદસ્યો સંગીતાબેન છાયા, ડો.મેઘાવીબેન સિંધવ, જાગૃતીબેન ભાણવડીયા, પીનાબેન કોટક, ધર્ય પારેખ, કિરીટ ગોહેલ, વિજય ટોળીયા, જયંતીભાઈ ભાખર, તેજશ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર, રવીભાઈ ગોહેલ, ડો. અશ્વીન દુધરેજીયા, શરદભાઈ તલસાણીયા, ફાકભાઈ બાવાણી સહિત સદસ્યોએ સ્વૈચ્છિક રાજીનામા આપેલ હતા. આ તકે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ સહિતના ઉપસ્થિત રહયા હતા અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત તથા તમામ સદસ્યોના રાજીનામા સ્વીકાર્યા હતા.