રાજકોટઃ હજુ તો નવવધૂના હાથની મહેંદી પણ ભૂંસાઈ નહોતી અને દાંપત્યજીવન નંદવાયું
રાજકોટ, 27 મે: ગુજરાતના રાજકોટમાં શનિવારે એક ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં નવ બાળકો સહિત 32 લોકોનાં મૃત્યું થયા છે. આ અકસ્માતનાં આરોપીઓને પકડવા માટે SITની રચના કરવામાં આવી છે.
ગુજરાતમાં રાજકોટ ગેમિંગ ઝોનની ઘટનાએ ઘણા લોકોને જીવનભર પીડા આપી છે. લોકો અહીં સુખ વહેંચવા આવ્યા હતાં, પરંતુ દુઃખ મળ્યું. આ અકસ્માતમાં 32 લોકોનાં મૃત્યું થયા હોવાના અહેવાલ છે. જેમાં એક નવવિવાહિત યુગલ અક્ષય ઢોલરીયા અને ખ્યાતી પણ હતા. અક્ષય અને ખ્યાતિનાં લગ્ન એક અઠવાડિયા પહેલા જ થયા હતાં, તેઓ તેમના લગ્નની ઉજવણી કરવા ગેમિંગ ઝોનમાં આવ્યા હતાં, ત્યારે અહીં આગ ફાટી નીકળી અને બંનેનું મૃત્યું થઈ ગયું.
24 વર્ષીય અક્ષય કેનેડામાં તેના માતા-પિતા સાથે રહેતો હતો. 20 વર્ષીય ખ્યાતી સાથે લગ્ન કરવા તે થોડા દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. ગયા શનિવારે બંનેના કોર્ટ મેરેજ થયા હતાં. આ વર્ષનાં અંતમાં ભવ્ય લગ્ન સમારોહની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ તે બંને હવે આ દુનિયામાં રહ્યા નથી… આગ એટલી ભયાનક હતી કે તેમના શરીર પણ ઓળખી શકાય તેમ ન હતા. અક્ષયનાં મૃતદેહની ઓળખ તેની આંગળીમાં પહેરેલી વીંટીની મદદથી કરવામાં આવી હતી. બીજી તરફ ખ્યાતી અને હરિતાનાં મૃતદેહને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
TRP નામનો ગેમિંગ ઝોન વીકએન્ડ ડિસ્કાઉન્ટ ઓફરને કારણે લોકોથી ભરચક હતો. અહીં ટિકિટની કિંમત માત્ર ₹99 હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ મનોરંજન કેન્દ્ર ફાયર વિભાગની પરવાનગી વિના ચાલતું હતું, માલિકો પાસે ફાયર વિભાગની એનઓસી પણ નહોતી. અહીં એક સમસ્યા એ હતી કે બહાર નીકળવા માટે એક જ ગેટ હતો.
પોલીસે TRP ગેમ ઝોનના માલિક અને મેનેજરની પૂછપરછ માટે અટકાયત કરી છે. ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં પડઘા, ગેમઝોન-મેળા બંધ થયા