કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ

રાજકોટ એસટી ડિવિઝનનું લોલમલોલ : તહેવારોમાં ઓનલાઇન રિઝર્વેશનવાળી અનેક બસો રદ કરાઇ

Text To Speech

રાજકોટ એસટી ડિવિઝન હેઠળના ડેપોમાંથી અવાર-નવાર રિઝર્વેશન કરવામાં આવેલા મુસાફરો કોઇ અગમ્ય કારણોસર બસ રદ કરાતા રઝળપાટની સાથોસાથ હાલાકી અનુભવી રહ્યા છે તાજેતરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ ડિવિઝનને લાંબા રૂટની બસોમાં અને ચોક્કસ ટ્રીપની સંખ્યા વધે અને લાખોની આવક થાય તેવા હેતુથી બસ દોડાવી હતી પરંતુ ખરેખર જે મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હોય અને તેવી બસના રૂટ અથવા આખી એસટીની ટ્રીપ રદ કરવામાં આવે તો મુસાફરોની શી હાલત થાય તે કદાચ રાજકોટના ડી.સી. કલોતરાને ખબર નહીં હોય તાજેતરમાં ગોંડલ ડેપોમાંથી ઉપડતી રેગ્યુલર એસટી બસ ગોંડલ-દાહોદ એક્સપ્રેસ રૂટ ઓનલાઇન રિઝર્વેશનવાળી લાઇન કેન્સલ કરી દેતાં મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ દાહોદથી રિટર્નમાં 14 મુસાફરોએ પણ રિઝર્વેશન કરાવ્યું હતુ તેઓ પણ તહેવારના દિવસોમાં રઝળી પડ્યા હોવાની ચોંકાવનારી વિગતો ગોંડલ ડેપો વર્તુળોમાંથી બહાર આવી છે. ગાંધીનગર સુધી મુસાફરોએ ઉપરોકત ગોંડલ-દાહોદ બસ એકસપ્રેસ રૂટ કે જે તા. 19-8-2022ના રોજ રિઝર્વેશનવાળી લાઇન કેન્સલ કર્યાની વિગતો પહોંચી છે. સાથોસાથ અમદાવાદ ખાતેની મુખ્ય કચેરીમાં પણ રાજકોટ એસટી તંત્ર બાબતે અનેક આક્ષેપો તેમજ અધિકારીની અણઆવડતના કારણે તંત્રને (સરકાર) નુકસાન થયાની લેખીત ફરિયાદ પહોંચી હોવાનું એસટી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

20 ઓગષ્ટના રોજ ડેપો ઉપરથી ‘લેઇટ’ ઉપડેલી બસો
(1) 7:45ની ગોંડલ-સુરત 12:45 કલાકે ઉપડેલ ઓનલાઇન રિઝર્વેશનવાળા રૂટો.
(2) 8:00 કલાકની ગોંડલ-ભાવનગર 9:00 કલાકે ઉપાડેલ
(3) 16:15ની ગોંડલ-છોટાઉદેપુર 17:00 કલાકે ઉપાડેલ
(4) 16:39ની ગોંડલ-બારીયા 17:00 કલાકે ઉપાડેલ
(5) 19:30ની ગોંડલ-ઝાલોદ 20:45 કલાકે ઉપાડેલ
(6) 8:45ની ગોંડલ-ઝાલોદ 13:00 કલાકે ઉપાડેલ

20 ઓગષ્ટના રોજ ગોંડલ ડેપોની 20 શેડ્યુલો રદ થઇ : 18 લોકલ અને 2 એક્સપ્રેસ હતી
રાજકોટ જિલ્લામાં એસટી ડિવિઝન હેઠળના નવ ડેપો પૈકી અનેક ડેપોમાં અંધેર તંત્ર ચાલી રહ્યું છે. અધિકારી જાતે તપાસ કરવા ભાગ્યેજ ડેપો ઉપર જતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. થોડા સમય પૂર્વે તા. 20 ઓગષ્ટના રોજ ગોંડલ ડેપોની 20 શિડ્યુલો રદ થઇ હતી જેમાં 18 લોકલ અને 2 બસ એકસપ્રેસ હતી. અત્રે એ ઉલ્લેખનિય છે કે, ગોંડલ ડેપોના મેનેજર (ઇન્ચાર્જ) શ્રીમાળી અને ત્રણ એટીઆઇ હોવા છતાં ગોંડલ ડેપોના અનેક રૂટો રદ થાય છે અને બસની આવકમાં ગાબડું પડી રહ્યું છે. રાજકોટના ડી.સી. કલોતરાને આવી ફરિયાદ મળી હોય તો શું પગલા લેશે ખરા ? તા. 21ના રોજ 21 શેડ્યુલ રદ થઇ હતી જેમાં 19 લોકલ અને 2 એકસપ્રેસ શેડ્યુલ રદ થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. તહેવારોમાં આવક વધે તેવા પ્રયાસોની બદલે રિઝર્વેશનવાળી લાઇન કેન્સલ કરી દેવાય છે. રાજકોટના કેટલા ડેપોમાં આવી શેડ્યુલ રદ થઇ હશે ? નાના કર્મચારી ભૂલ કરે તો મસમોટી સજા કરાય છે જ્યારે લાખોની નુકસાની કરનાર અધિકારી ઉપર શું પગલા ભરાશે ખરા…?

Back to top button