કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટવાસીઓમાં આનંદો, જીવાદોરી સમાન આજી ડેમ છલકાયો; સીઝનનો કુલ 40 ઈંચ વરસાદ ખાબક્યો

Text To Speech

રાજકોટમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. સવારના 7થી 8 વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો તો 8થી 9 વાગ્યા સુધીમાં વધુ 5 MM વરસાદ વરસ્યો હતો. હાલ પણ ધીમી ધારે ઝાપટા વરસી રહ્યા છે. અવિરત પડી રહેલા વરસાદને પગલે શહેરમાં આવેલા પોપટપરા વિસ્તારના નાળામાં પાણી ભરાય ગયા છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ 18મી વખત ઓવરફ્લો થતા પાણીનું સંકટ દૂર થયું છે. આજીડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. આ ડેમ 1957માં બનાવવામાં આવ્યો હતો. આથી 71 વર્ષમાં આજે 18મી વખત ઓવરફ્લો થયો છે.

સવારથી રાજકોટમાં સતત વરસાદ
રાજકોટ શહેરમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 થી 9 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં 30 MM, સેન્ટ્રલ ઝોનમાં 28 MM અને વેસ્ટ ઝોનમાં 17 MM વરસાદ નોંધાયો છે. શહેરના આજી ડેમ, માધાપર ચોકડી, રેસકોર્સ રિંગ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે સવા ઈંચ વરસાદમાં જ પોપટપરાનું નાળું ભરાઈ જતા વાહનો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના વાહનો પાણીમાં બંધ પડી જતા બંધ વાહન દોરીને નાળામાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે.

Rajkot Rain
સવા ઈંચ વરસાદમાં જ પોપટપરાનું નાળું ભરાઈ જતા વાહનો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજી ડેમ ભરાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
રાજકોટવાસીઓ માટે સવાર પડતા જ સારા સમાચાર મળતા ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરને પાણી પૂરું પાડતો આજીડેમ ઓવરફ્લો થતા જળસંકટ દૂર થયું છે. ડેમ ઓવરફ્લો થતા જંગલેશ્વર, ભગવતીપરા સહિતના વિસ્તારોને અને આજી નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ છે અને આજે તે સપાટી વટાવી ડેમ ઓવરફ્લો થયો છે.

રાજકોટમાં સીઝનનો 40 ઈંચ વરસાદ નોંધાયો
શહેરમાં આ ચોમાસાની સીઝનનો કુલ વરસાદ 1000 MMથી વધી ગયો છે. એટલે કે, રાજકોટમાં કુલ 40.24 ઇંચ પાણી વરસી ગયું છે. ગઈકાલે 7 વાગ્યા બાદ પડેલા વરસાદમાં રાત્રે 10 વાગ્યે સુધીમાં મનપાના ફાયર વિભાગે નોંધેલા સત્તાવાર આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 24 MM, વેસ્ટ ઝોનમાં 05 MM અને ઇસ્ટ ઝોનમાં 19 MM વરસાદ નોંધાયો હતો. શહેરમાં સીઝનનો સેન્ટ્રલ ઝોનનો કુલ વરસાદ 1006 MM (40.24 ઇંચ), વેસ્ટ ઝોનનો કુલ વરસાદ 958 MM (38.32 ઇંચ) અને ઇસ્ટ ઝોનનો કુલ વરસાદ 811 MM (32.44 ઇંચ) નોંધાયો છે.

જસદણ કર્ણુકી ડેમ 90% ભરાયો
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામ પાસે આવેલ કર્ણુકી ડેમ હાલ 90% ભરાઇ ગયો છે. પાણીની આવક વધતા ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા જસદણ તાલુકાનાં જીવાપર, જૂના પીપળીયા, પ્રતાપપુર સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યા છે.

રાજકોટના જળાશયની વિગત

  • આજી-1 ડેમ ઊંડાઈ – 25.50 ફૂટ છલોછલ
  • ન્યારી-1 ડેમ ઊંડાઈ – 25.10 ફૂટ છલોછલ
  • ભાદર ડેમ ઊંડાઈ – 34 ફૂટ છલોછલ
  • મોજ ડેમ ઊંડાઈ – 44 ફૂટ છલોછલ
  • ન્યારી-2 ડેમ ઊંડાઈ – 20.70 ફૂટ છલોછલ
  • ફોફળ ઊંડાઈ – 25.50 ફૂટ છલોછલ
  • વાછપરી ઊંડાઈ – 18 ફૂટ છલોછલ
  • છાપરવાડી-2 ઊંડાઈ – 25 ફૂટ છલોછલ
  • ઈશ્વરીયા ઊંડાઈ – 19 ફૂટ છલોછલ
Back to top button