રાજકોટઃ વૃદ્ધાશ્રમને લગતા આ સમાચાર સારા ગણાય કે ખરાબ એ તમે જ નક્કી કરો, વાંચો
રાજકોટ, ૧૮ નવેમ્બર, સંતાનો દ્વારા પોતાનાં માતા-પિતાને તરછોડી દેવાની માનસિતા આધુનિક યુગમાં ઘણી વધી ગઈ છે. જેના કારણે ઘડપણમાં પોતાનાં બાળકોનો સાથ અને હૂંફ ઝંખતાં માતા-પિતાને નાછૂટકે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. જેઓની સંખ્યા સતત વધી રહી છે. એક સમયે એવો ટ્રેન્ડ હતો કે ઘરના દીકરા-દીકરીઓ ઘરડાં મા-બાપને વૃદ્ધાશ્રમને મોકલી આપતા હતા, આજેય આવી ઘટનાઓ બની જ રહી છે. પરંતુ વૃદ્ધાશ્રમમાં લોકોને તકલીફ ન પડે તે માટે આ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે હોસ્પિટલ સાથો સાથ ICUની સુવિધા, રહેવા જમવા માટે ઉત્તમ રૂમ અને હરવા ફરવા માટેની જગ્યા જેવી અનેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે જેની સામે ફાઈવ સ્ટાર હોટલ પણ સામાન્ય લાગે. વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરી હતી. રાજકોટથી વીસેક કિલોમીટર દૂર દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. કે, જેની અંદર ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ વૃદ્ધોને આપવામાં આવશે. જેમાં તમામ વ્યવસ્થા ઉભી કરાશે. વૃદ્ધોની નાની-મોટી તમામ સુવિધાઓનું અહીં ધ્યાન રખાશે. આમ તો આ કોઈ મહાન બાબત નથી પરંતુ વાસ્તવિકતા છે એ પણ સ્વીકારવું પડશે.
અસહાય, નિરાશ્રિત, બીમાર, લાચાર.. વૃદ્ધોને અહીં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા મળશે. વૃદ્ધોને પોતાનું જ ઘર લાગે એ માટે 30 એકર જમીનમાં 11-11 માળના 7 ટાવર ઊભા કરાઈ રહ્યા છે. રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂ. 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાથી નિરાધાર, અશકત, પથારીવશ, કોમામાં તેમજ ડાઈપર ઉપર રહેલા 5,100 વડીલોને આશરો મળી રહે તે માટે 1,400 રૂમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં 5000 વૃદ્ધોને આશ્રય મળશે. આ વૃદ્ધાશ્રમને સદભાવના ધામ તરીકે ઓળખાશે.
આ વૃદ્ધાશ્રમ બનાવવા માટે 200 વ્યક્તિની ટીમ રાત દિવસ કામ કરી રહી છે. દરેક ટાવરમાં હોસ્પિટલ હશે, જેથી સારવાર માટે બહાર જવાની તકલીફ ન પડે. આ ઉપરાંત ગાર્ડન, પાર્ટી પ્લોટ જેવી સુવિધાઓ આ સ્થળને ઘર જેવું જ વાતાવરણ પુરું પાડશે. જૈન વૃદ્ધો માટે દેરાસર સાથે અલગ ટાવર બનશે. ગ્રાઉન્ડ ફ્લોર પર બે માળનો ડાઈનિંગ હોલ બનશે. લાઈબ્રેરી, યોગાસન ખંડ, પ્રાર્થના ખંડ વગેરે વિભાગો પણ બનશે. પ્રથમ ટાવરનું 70 ટકા કામ થઈ ચૂક્યુ છે. એપ્રિલ 2025માં તેનું ઉદઘાટન થશે. વૃદ્ધોને એકલતાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ ટીમ કાર્યરત રહેશે જે સતત એમને સાંભળે. એમનો ગુસ્સો, પરેશાની, એમના અનુભવો, સુખ-દુખ બધુ જ પ્રેમપૂર્વક કાન દઈને સાંભળે. આ ટીમનું માત્ર આ જ કામ હશે અને એ માટે પગાર મળશે. ટીમ પર પણ સતત નજર રહેશે.
જાણો અન્ય સેવાઓ વિશે
મજૂરો, લારી ચાલકો સૌ કોઈને ઠંડું પાણી મળતું રહે એ માટે શહેરમાં 100 જ ગ્યાએ 24 કલાક કાર્યરત પરબ બનાવાશે. ગરીબોને સસ્તી દવા મળે એ માટે સદભાવના મેડિકલ સ્ટોર બનશે. ત્યાં 15થી 60 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ગુજરાતને હરિયાળું બનાવવા રાજ્યભરમાં 30 લાખ વૃક્ષો વવાશે. 400 ટ્રેક્ટર, 400 ટેન્કર અને 1600 સભ્યોની એ ટીમ આ વૃક્ષોની સુરક્ષા માટે કામ કરશે. રસ્તે રળતા મુકી દેવાયા હોય એવા 1600 બળદને પણ અહીં રખાયા છે. જ્યારે બિમાર કૂતરાંઓ માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે. વૃદ્ધોની સારવાર-દેખભાળ માટે 100 લોકોની ટીમ બનશે. આશ્રમ ભલે ડોનેશનથી ચાલવાનો હોય પણ અહીં કામ કરનારા સૌ કોઈને પગાર મળશે. જેથી કામમાં તેમનો રસ જળવાઈ રહે, કામમાં આળસ કે બેફિકરાઈ ન આવે.
આ પણ વાંચો…ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ તપાસ હવે પોલીસ પાસેથી લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ