રાજકોટ આર.પી.એફ. દ્વારા રેલવે ટિકિટનાં આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ, 6ની ધરપકડ
રાજકોટ રેલવે ડિવિઝનનાં આરપીએફ સ્ટાફ દ્વારા રેલવે ટિકિટનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં છ શખસોની ધરપકડ કરી રૂ. 43.42 લાખની કિંમતની 1688 ટિકિટ જપ્ત કરવામાં આવી છે. રાજકોટથી ઝડપાયેલ ટ્રાવેલ એજન્ટની ધરપકડ બાદ પૂછપરછમાં ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યના અડધો ડઝન શખસોને ઝડપી લેવામાં આવ્યા છે. ભૂતકાળમાં આ શખસો દ્વારા રૂ. 28.14 કરોડની ટિકિટનું ખરીદ-વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ડિઝિટલ ઇન્પુટ અને હ્યુમન ઇન્ટેલિજન્ટના આધારે રાજકોટથી ટ્રાવેલ એજન્ટની કરાઈ ધરપકડ
મળતી માહિતી મુજબ રાજકોટ આરપીએફની ટીમ દ્વારા ઓપરેશન અવેલેબલ કોડનેમ મિશન હેઠળ રેલવેની ગેરકાયદે રીતે ટિકિટનું વેચાણ કરતા શખસોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. દરમિયાન ડિઝિટલ ઇન્પુટ અને હ્યુમન ઇન્ટેલિજન્ટના આધારે ગત તા. 8-5-2022ના રોજ રાજકોટના મન્નાન વાઘેલા નામના ટ્રાવેલ એજન્ટને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા કોવિડ-19 સોફ્ટવેરના ઉપયોગ થકી ગેરકાયદે રીતે રેલવે ટિકિટ બુક કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતુ.
મુંબઈના શખ્સને ઝડપી લીધા બાદ વલસાડ અને યુપીથી પણ ભેજાબાજો ઝડપાયા
આ શખસની ધરપકડ બાદ વધુ તપાસ દરમિયાન COVID X, ANMSBACK, બ્લેક ટાઈગર વગેરેનો સુપર સેલર કનૈયાગીરી નામનો શખસ હોવાનું જાણવા મળતાં ગત તા. 17-7ના રોજ મુંબઇથી કનૈયાગીરીની ધરપકડ કરવામાં આવી હતી. આ શખસની પૂછપરછમાં વાપીના એડમિન અને ડેવલોપર અભિષેક શર્માનું નામ ખુલતા ગત તા. 20-7-22ના રોજ વાપીથી અભિષેક શર્માની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછમાં પોતે ગેરકાયદે સોફ્ટવેરનો સંચાલક હોવાની કબુલાત આપી હતી. તેની પૂછપરછમાં મુંબઇના અમનકુમાર શર્મા, વલસાડના વિરેન્દ્ર ગુપ્તા અને યુપી સુલતાનપુરના અભિષેક તિવારીનું નામ ખુલતા આ ત્રણેય શખસોને પણ આરપીએફ સ્ટાફે ઝડપી લીધા હતા.
આરોપીઓએ ટેલિગ્રામ, વોટ્સએપથી IRCTCના નકલી વર્ચ્યુઅલ નંબર અને નકલી યુઝર આઈડી આપ્યા
આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમના દ્વારા સોશિયલ મીડિયા એટલે કે ટેલિગ્રામ, વોટ્સએપ વગેરેનો ઉપયોગ કરીને IRCTCના નકલી વર્ચ્યુઅલ નંબર અને નકલી યુઝર આઈડી આપીને આ ગેરકાયદેસર સોફ્ટવેરના વિકાસ અને વેચાણમાં સામેલ હતા. આ આરોપીઓ પાસે નકલી આઈપી એડ્રેસ જનરેશન સોફ્ટવેર હતું, જેનો ઉપયોગ આઈપી એડ્રેસ દીઠ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મેળવવા માટે ગ્રાહકો પર લાદવામાં આવેલા પ્રતિબંધને ટાળવા માટે કરવામાં આવતો હતો. તેઓએ નિકાલજોગ મોબાઇલ નંબર અને નિકાલજોગ ઇમેઇલ્સ પણ વેચ્યા છે, જેનો ઉપયોગ IRCTCના નકલી વપરાશકર્તા ID બનાવવા માટે OTP ચકાસણી માટે થાય છે.
આરોપીઓ પાસેથી રૂ.43.42 લાખની ટિકિટો કરાઈ જપ્ત
આ કેસમાં તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા, 43,42,750/-ની કિંમતની 1688 ટિકિટો પણ જપ્ત કરવામાં આવી હતી, જેના પર મુસાફરી શરૂ થઈ શકી ન હતી. ભૂતકાળમાં, આ આરોપીઓએ રૂ. 28.14 કરોડની ટિકિટ ખરીદી અને વેચી હતી, જેમાં તેમને તગડું કમિશન મળ્યું હતું. આરોપીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીની છટકબારીઓ દૂર કરવા અને આવી ખોટી પ્રથાઓને રોકવા માટે પગલાં લેવા માટે રેલવેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે.