દેવાયત ખવડ હજુ પોલીસ પકડથી દૂર, જામીન ન મળે એ માટે પોલીસનું સોગંદનામુ
રાજકોટમાં મારામારી ગુનામાં દેવાયત ખવડને જામીન ન મળે એ માટે પોલીસ દ્વારા એક સોગંદનામુ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસ આ સોગંદનામુ સુનાવણી પ્રક્રિયા દરમિયાન રજૂ કરશે. સોગંદનામામાં દેવાયત ખવડની ગુનાહિત કૂંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા 10 દિવસથી ફરાર દેવાયત ખવડ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આવતીકાલે 17 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
પોલીસ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરશે
પોલીસ દ્વારા એક તૈયાર કરવામાં આવેલા સોગંદનામામાં અનેક ગુનાઓની માહિતી આપવામાં આવી છે. તેમજ અનેક વખત સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગંભીર ગુનાનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં 2015માં ચોટીલા ખાતે મારામારીના ગુનામાં IPC 325 ફરિયાદ, 2015માં મૂળી પોલીસમાં હત્યાનો પ્રયાસ IPC 307 અને આર્મ એક્ટ હેઠળ ફરિયાદ, 2017માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં આર્મ એક્ટ હેઠળ નોધાયેલા ગુનાનો ઉલ્લેખ છે. પોલીસ આ સોગંદનામુ 17 તારીખના રોજ સુનાવણી હાથ ધરાશે તેમાં રજૂ કરશે.
શનિવારે સુનાવણી
દેવાયત ખવડ છેલ્લા કેટલાય દિવસથી એક મારામારીના ગુનામાં ફરાર ફરી રહ્યો છે ત્યારે ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી પરંતુ એ સુનાવણી આજે ટળી છે અને હવે આગામી 17 તારીખ અને શનિવારના રોજ ફરીથી જામીન અરજી પર ચુનાવણી હાથ ધરવામાં આવશે.
દેવાયત ખવડે આગોતરા જામીન અરજી કરી
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 4 દિવસથી ફરાર દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
પોલીસ પકડથી દૂર
મયુરસિંહે અગાઉ પણ દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી કરી હતી કે દેવાયત તેને વારંવાર મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો છે એ સંદર્ભે હજી કોઇ વિગત સામે આવી નથી. પરંતુ બનાવની વિગત અનુસાર મયુરસિંહ ઓફિસેથી પોતાના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દેવાયત ખવડને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવા છતાં દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે.
આ છે વિવાદ
તાજેતરમાં દેવાયત ખવડે પોતાના સાગરીત સાથે એક વ્યક્તિ સાથે જાહેરમાં મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામાના શખ્સને માર મારવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.