કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટ : બેન્કની બાકી વસુલાત સામે 40 આસામીઓની મિલકત જપ્તીના આદેશ


રાજકોટ શહેર તેમજ જિલ્લાની જુદી-જુદી રાષ્ટ્રીયકૃત બેન્કો તેમજ કો.ઓપરેટીવ અને ફાયનાન્સ કંપનીઓમાંથી રહેણાંક મકાન તેમજ ઔદ્યોગિક હેતુ માટે કરોડોની લોન લીધા બાદ સમયસર હપ્તા ન ભરતા અને મુદ્દત વિતી ગયા બાદ પણ વ્યાજ, મુદ્દલની બેન્કમાં રકમ જમા ન થતાં સિકયુરીટાઇઝેશન એકટ અંતર્ગત કલેકટર કાર્યવાહી કરે છે. રાજકોટમાં આવા 40થી વધારે આસામીઓ પાસેથી રૂ. 85 કરોડની બેન્કની લેણી રકમની વસુલાત માટે કલેકટર અરૂણ મહેશ બાબુએ સિકયુરીટાઇઝેશન એકટ હેઠળ મિલકત જપ્તીની કાર્યવાહી કરી છે. પત્રકારોને કલેકટર અરૂણ બાબુએ માહિતી આપી વિગતો જણાવી હતી.
જે તે વિસ્તારના મામલતદાર પોલીસને સાથે રાખી કરશે કાર્યવાહી
અત્રે એ ઉલ્લેખનિય છે કે, સિકયુરીટાઇઝેશન એકટ હેઠળ મિલકત જપ્તી માટેના વોરન્ટ ઇસ્યુ કરવા મામલતદારોને આદેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જે તે વિસ્તારના મામલતદાર પોલીસને સાથે રાખી બાકીદારો સામે મિલકત જપ્તીની કાર્યવાહી કરશે અને મિલકતોને સીલ લગાવી કબજો બેન્કને સોંપી દેશે. રાજકોટમાં એક આસામીએ ઔદ્યોગિક હેતુ માટે કરોડોની લોન બેન્કમાંથી લીધા બાદ હપ્તા ન ચુકવતા રૂ. 20થી 22 કરોડની વસુલાત નીકળતા આ આસામીની મિલકત જપ્ત કરવામાં આવશે.