રાજકોટ : રાજયમંત્રીની બેઠક ઉપર OBC અગ્રણીનો ટિકિટ માટે દાવો, અન્ય બે બેઠક પર કોના નામો ?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વગવાના શરૂ થઈ ગયા છે. લગભગ થોડા જ દિવસોમાં ચૂંટણી જાહેર થઈ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ક્યાં પક્ષમાંથી, કઈ બેઠક ઉપર, કોને ટિકિટ આપવી આ અંગેની મથામણ પણ શરૂ થઈ ગઈ છે. દરેક સમાજ પોતાના આગેવાન માટે ટિકિટની માંગણીઓ કરી રહ્યા છે. તેવામાં રાજકોટમાં કંઈક અલગ જ રાજકારણ સામે આવ્યું છે. જેમાં સરકારમાં હાલના રાજયમંત્રી અરવિંદ રૈયાણી જે બેઠક ઉપરથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા છે તે રાજકોટ પૂર્વ બેઠક પર આ વખતે ઓબીસી સમાજના અગ્રણીએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. પૂર્વ બેઠક પર મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય જરૂર છે પરંતુ અહીંયા તેમનો વિરોધ જરૂર સામે આવી રહ્યો છે અને પાટીદાર બાદ કરતા OBC નેતા તરીકે ખીમા મકવાણાએ ટિકિટની માગણી કરી છે.
પૂર્વ મુખ્યમંત્રીની સીટ ઉપર કોનું નામ ચર્ચામાં ?
રાજકોટ પશ્ચિમ બેઠક કે જ્યાંથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને બાદમાં મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. જોકે, આ બેઠકમાં વર્તમાન ધારાસભ્ય વિજય રૂપાણી છે કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે. ત્યારે આ બેઠક પર સંઘ સાથે જોડાયેલાને ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં પ્રથમ નામ ડો. દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, નીતિન ભારદ્વાજ અને કમલેશ મિરાણીનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે, હવે અચાનક આ બેઠકમાં વધુ એક દાવેદાર તરીકે એડવોકેટ અનિલ દેસાઈનું નામ સામે આવ્યું છે.
દક્ષિણ બેઠક ઉપર બહુ બધા મુરતિયા
રાજકોટની દક્ષિણ બેઠક પર ખુદ ધારાસભ્ય ગોવિંદ પટેલે ફરી દાવેદારી નોંધાવી છે. જેની સાથે સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ પણ દાવેદારી નોંધાવી છે.
ગોવિંદભાઈને મળે તો ભલે, બીજાને આપવી હોય તો મને આપો
દક્ષિણ બેઠક પરથી પાટીદાર સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ જયંતી સરધારાએ પણ દાવેદારી નોંધાવી પોતાનો બાયોડેટા પાર્ટી સમક્ષ રજૂ કર્યો છે. જોકે, તેઓનું કહેવું છે કે, જો પાર્ટી ગોવિંદ પટેલને ફરી રિપીટ કરે તો આ નિર્ણય તેમના માટે શિરોમાન્ય રહેશે અન્ય કોઈને આપવા માંગતા હોય તો તેમને આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. ત્યારે સેન્સ પૂર્વે લોબિંગ સામે આવી રહ્યા છે અને દાવેદારોએ પોતાના બાયોડેટા પાર્ટી સમક્ષ રજૂ કરી દીધા છે.
લાભ પાંચમ પછી દાવેદારોની સેન્સ લેવાશે
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આગામી 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવનાર છે. આ વર્ષે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે આ વર્ષે ભાજપ સૌરાષ્ટ્રમાં કોઈ કમી છોડવા માંગતુ નથી અને સિક્યોર સીટ પર કોઈ ખેલ રમવા માગતું નથી ત્યારે સેન્સ બાદ કોના શિરે ઉમેદવારીનો કળશ ઢોળવામાં આવશે તે જોવું મહત્ત્વનું રહેશે.