રાજકોટઃ નેપાળી ઘરઘાટીએ મિત્રો સાથે મળીને લાખોની લૂંટ કરી, ઘરમાલિકના પુત્રને બંધક બનાવ્યો
રાજકોટઃ રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા રોયલ પાર્કમાં મોતીશ્રી બંગલોમાં રહેતા પ્રભાત ડી સિંધવના બંગલામાં આજે વહેલી સવારે ઘરઘાટી તરીકે રહેતા નેપાળી શખ્સે અન્ય બે મિત્રો સાથે મળીને લૂંટ કરી છે. પ્રભાત સિંધવ કોઇ કામથી અમદાવાદ ગયા હતા અને તેમનો પુત્ર જશ અને પિતા ઘરે એકલા હતા, એ સમયે ઘરઘાટી અનિલ બે મિત્રો સાથે આવ્યો હતો અને જશને બંધક બનાવી, છરી બતાવી સોના, ચાંદી અને રોકડ સહિત લાખોની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મકાન માલિકના પુત્રને છરો બતાવી લૂંટ કરી
આ લૂંટના બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, પ્રભાતભાઈ સિંધવનો પુત્ર જશ સિંધવ તેના દાદા સાથે ઘરમાં એકલો જ હતો. તેના દાદા નીચે સૂતા હતા અને જશ સિંધવ તેમના પરિચિત થર્ડ ફ્લોર પર બેડરૂમમાં સૂતો હતા. તેમના મિત્ર સવારે 6 વાગ્યાની આસપાસ શાળાએ જવા માટે નીકળી ગયા હતા. અને તેઓ નીચેનો સેકન્ડ ફ્લોરનો દરવાજો ખુલ્લો મુકીને ગયા હતા. તે દરમિયાન સાડા છની આસપાસના સમયગાળા દરમિયાન તેમના ઘરે કામ કરતા અનિલ નામના ઇસમ અને અન્ય બે અજાણ્યા શખ્સો ઉપર જશ સિંધવ પાસે આવ્યા હતા અને તેને છરી બતાવી ડરાવ્યો હતો અને કેશ તથા ગોલ્ડ ક્યાં રાખ્યા છે તે અંગે પૂછ્યું હતું અને લૂંટ ચલાવી હતી. આરોપીઓને પકડવા માટે અલગ અલગ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઘરઘાટીની વિગતો મેળવી તપાસ હાથ ધરાઈ
લૂંટ મચાવનાર આરોપી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી જેટલા પણ રૂટ પરથી ભાગી શકે તેવી શક્યતા છે એ તમામ રૂટ પર નાકાબંધી કરવામાં આવી છે, આ ઉપરાંત આરોપીઓની ઓળખ કરી તેમની વિગતો મેળવવામાં આવી રહી છે. આ આરોપી દોઢ મહિનાથી અન્ય કોઇ વ્યક્તિના રેફરન્સથી નોકરી પર રાખવામાં આવ્યો હતો. ઘર માલિકે આ શખ્સ અંગેની કોઇપણ પ્રકારની ડિટેઇલ તેમની પાસેથી લીધી ન હતી. જેમના રેફરન્સથી આ શખ્સને નોકરી પર રાખવામાં આવ્યો હતો, તેમની પાસેથી પોલીસે અનિલ નામના શખ્સની વિગતો મેળવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
14 વર્ષના ભત્રીજાને બાંધી લૂંટ કરી
સમગ્ર બનાવ અંગે અન્ય એક મોભીએ જણાવ્યું હતું કે, મોટાભાઇ અને ભાભી અમદાવાદ ગયા છે અને મારો 14 વર્ષનો ભત્રીજો ઉપર સૂતો હતો અને મારા પપ્પા અહીં નીચે રૂમમાં સૂતા હતા. આજે સવારે 7 વાગ્યાની આસપાસ નીચે અમારે જે નેપાળી રહે છે તે અને તેની સાથેના બે નેપાળીએ દરવાજો ખોલાવ્યો હતો. તારુ કામ છે તેમ કહી દરવાજો બંધ કરીને તેને ઉપરના રૂમમાં લઇ ગયા હતા. પછી છરી બતાવી અને તેને બાંધી દીધો હતો અને લૂંટ ચલાવી હતી. તેઓ શું-શું લૂંટીને ગયા તેની ખબર મોટાભાઈ અહીં પહોંચે ત્યારે જાણવા મળશે. પણ સોનું, ચાંદી અને રોકડ રકમ લૂંટી ગયા છે.
ચોકીદાર નેપાળી અને ત્રણ યુવકો આવ્યા હતા
મળતી વિગત મુજબ ઓશિકાનું કવર ફાડીને તેના હાથ બાંધી દીધા હતા. મોઢે પટ્ટી અને રૂમાલ જેવું કંઇક બાંધી દીધુ હતું. અહીં જે નેપાળી ચોકીદાર તરીકે રહેતો હતો તે પણ સાથે હતો. ત્રણ યુવકો આવ્યા હતા. મારા પિતા સવારે જ્યારે ઉપર ગયા ત્યારે મારો ભત્રીજો બાંધેલી અવસ્થામાં હતો ત્યારે અમને લૂંટ થયાની ખબર પડી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.