રાજકોટ : IND vs SL ફાઈનલ T20 મેચમાં 18 લોકોના મોબાઈલ ચોરી થયા
રાજકોટના ખંઢેરી મેદાન ખાતે શનિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે અંતિમ T20 મેચમાં ભારતનો જોરદાર વિજય થયો છે. જો કે આ મેચમાં ખિસ્સા કાતરુંઓને મોકળું મેદાન મળી ગયું હતું. અહીં મેચ જોવા માટે આવેલા 18 લોકોના મોબાઈલ ફોનની ચોરી થયાનું સામે આવ્યું છે. જેઓએ પડધરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
પોલીસે શરૂ કરી તપાસ
મળતી માહિતી મુજબ, રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ગત શનિવારના રોજ ભારત અને શ્રીલંકા સામે ફાઇનલ ટી-20 મેચ યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે આવ્યા હતા આ દરમિયાન ચિક્કાર ભીડનો લાભ ઉઠાવી કેટલાક ગઠિયાઓ દ્વારા મોબાઇલ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. SCA સ્ટેડિયમ પડધરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતું હોવાથી તેમાં કુલ 18 લોકોએ મોબાઇલ ચોરી અંગે ફરિયાદ આપી હતી જેમાં રાજકોટના નાનામવા રોડ પર રહેતા ભાવિક પટેલ, કાલાવડ રોડ પર રહેતા કલ્પેશ નાનભાઈ, જીવરાજપાર્કમાં રહેતા મુકુંદ શીંગડીયા, રાજકોટના મધરવાડા ગામના રણજીત સોલંકી, ર્સ્ટલિંગ હોસ્પિટલ પાછળ રહેતા સિધ્ધરાજ નિરંજન ગોરસીયા, જીવરાજપાર્ક વૃજવાટીકામાં રહેતા ઉમેશકુમાર જાવીયા, એરપોર્ટ રોડ ગીત ગુજરી સોસાયટીમાં રહેતા સંતોષ કનુભાઈ પાઠક, કોઠારીયા રોડ પર રહેતા ભુમીત વરસાણી, રામ પાર્કમાં રહેતા ડો.નિમીષા વાઢેર, જૂનાગઢ સરદારબાગમાં રહેતા છગનલાલ પ્રેમજી અને રાજકોટની શિવદ્રષ્ટી સોસાયટીમાં રહેતા નિખીલકુમાર રવિચંદ્ર ખાંટ સહિત 18 લોકોનો સમાવેશ થાય છે. હાલ પોલીસે તમામ મોબાઈલ ફોન સર્વેલન્સમાં મુકી તપાસ હાથ ધરી છે.
જીત બાદ મેદાનમાં ઘુસેલા શખસ સામે પણ કાર્યવાહી, ધરપકડ
મહત્વનું છે કે, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં પ્લેયર્સની સુરક્ષામાં એક મોટી ચૂક બની હતી. જેમાં એક યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. આ અંગે ગ્રાઉન્ડના સિક્યોરિટી સુપરવાઇઝરે મેદાનમાં ઘૂસેલા અબ્બાસ સંધી નામના યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મેહુલભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આથી બાઉન્સરોએ ગ્રાઉન્ડમાં જઈ તેને પકડી બહાર લાવ્યા હતા અને તેનું નામ પૂછતા અબ્બાસ હુસેનભાઈ ઉનડજામ (સંધી) ઉંમર 28 વર્ષ જણાવ્યું હતું. તેમજ તેણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. અબ્બાસે ભારત-શ્રીલંકા વચ્ચેની મેચમાં પ્રતિબંધિત કરેલ વિસ્તારમાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરી કોઈ ગુનો કરવાની કે કોઈ વ્યક્તિને હાનિ કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હોય તો તેના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને અટકાયતમાં લીધો છે. અબ્બાસ ઉનાની કોલેજમાં અભ્યાસ કરે છે અને રાજકોટ મેચ જોવા માટે આવ્યો હતો.