ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ : આખો દિવસ દે ધનાધન વરસ્યા બાદ બપોર પછી મેઘરાજાએ લીધો વિરામ

હવામાન વિભાગની આગાહી અનુસાર જ રાજકોટમાં સોમવારે રાત્રે 10 વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જોત જોતામાં તેણે આકરૂ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
દરમ્યાન સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી સતત મુશળધાર વરસાદ પડવાના કારણે શહેરના જાહેર માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. ત્યારબાદ મેઘરાજાએ એકાદ કલાક વિરામ લીધો હતો અને ફરી 10.30 કલાકથી વરસવાનું શરૂ કરતાં બપોરે 1 વાગ્યા સુધી મનમુકીને વરસતા મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી હતી. જોકે એક વાગ્યા પછી વરસાદે આંશિક વિરામ લીધો હતો જેને કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
રતનપર અને રામનાથપરા પુલ પાસેથી મળ્યા આવ્યા બે મૃતદેહ
દરમ્યાન તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવતી હતી ત્યારે જ રતનપર ગામ અને શહેરમાં રામનાથ મહાદેવના પુલ પાસેથી બે મૃતદેહ સાંપડ્યા હતા. જેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેના વાલીવારસની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લલૂડી વોંકળીમાંથી 500 લોકોનું સ્થળાંતર, વૃક્ષ અને પાણી ભરાવાની 65 ફરિયાદ
દરવર્ષે ચોમાસામાં જ્યાં પાણી ભરાવાની સૌથી વધુ ફરિયાદ રહે છે તે લલૂડી વોંકળી વિસ્તારમાં આ વર્ષે પણ પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે વૃક્ષ અને પાણી ભરાવાની મહાપાલિકાના ચોપડે 65 જેટલી ફરિયાદો નોંધાવા પામી છે. દરમિયાન રૈયા રોડ ઉપર શિવમ સોસાયટીમાં સેલરના કામને કારણે દસ જેટલા મકાનોના પાયા હચમચી જતાં અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક દોડી જઈ કોઈ મોટી દૂર્ઘટના બને તે પહેલાં 75 જેટલા લોકોને આવાસ યોજનામાં ખસેડવામાં આવ્યા છે.
થોરાળામાં નદી ઓળંગી રહેલા બે બાઈકસ્વારનું દિલધડક રેસ્ક્યુ
ઉપરાંત થોરાળામાં નદી ઓળંગી રહેલા બે બાઈકસ્વાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડ દ્વારા તેમનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો આરટીઓ પાછળના વોંકળામાં પાણી ભરાઈ જતાં તેમાં ફસાઈ ગયેલા ચાર લોકોને પણ બચાવી લેવાયા હતા. વરસાદને કારણે ઘાંચીવાડ શેરી નં.8માં કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થતાં ચાર બાળકોને ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાનાં 18 ડેમોમાં 24 કલાકમાં નવા નીર છલકાયાં
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીર છલકાવાં લાગ્યાં છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઈ છે, જે મુજબ, ભાદર ડેમ 0.10 ફૂટ, આજી-1માં 3.61 ફૂટ, આજી-3માં 3.71 ફૂટ, ડોંડી ડેમમાં 2.30 ફૂટ, ગોંડલી ડેમમાં 6.40 ફૂટ, વાછપરી ડેમમાં 5.51 ફૂટ, વેરી ડેમમાં 2.59 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.98 ફૂટ, ન્યારી-2 ડેમમાં 1.48 ફૂટ, મોતીસર ડેમમાં 1.64 , ફાડદંગબેટી ડેમમાં 3.31 ફૂટ, ખોડાપીપર ડેમમાં 0.66 ફૂટ, લાલપરી ડેમમાં 4.92 ફૂટ, છાપરવાડી-1 ડેમમાં 0.33 ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 1.31 ફૂટ, ઈશ્વરીયા ડેમમાં 4.59 ફૂટ, કરમાળ ડેમમાં 0.98 ફૂટ, કર્ણુકી ડેમમાં 3.61 ફૂટ નવા પાણીની આવક થઈ છે.
Back to top button