ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ : લેણાંની રકમ ફસાઈ જતાં આર્થિક ભીંસમાં આવેલા પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

Text To Speech

રાજકોટ, 21 સપ્ટેમ્બર : રાજકોટમાં એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ બનાવમાં દવા પી લેનાર તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો બનાવની જાણ થતાં ઘટનાસ્થળ અને હોસ્પિટલે દોડી ગયો છે.

મુંબઈના શખસોએ રૂપિયા ન આપતા પગલું ભર્યું

શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આ ઘટના સામે આવી છે ત્યારે પ્રાથમિક તપાસમાં મુંબઇના શખસો પાસેથી આસરે ત્રણેક કરોડ જેવી રકમ લેવાની બાકી હોય તેઓ આપતા ન હોવાથી આર્થિક ભીંસમાં આવી જતાં પગલુ ભર્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આપઘાતનો પ્રયાસ કરનાર વૃદ્ધ દંપતી તેમજ તેના બે પુત્રો, બે પુત્રવધૂઓ અને તેમના ત્રણ સંતાનો સહિત 9 લોકોને સિવિલમાં ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્રણેક કરોડની રકમ લેવાની હતી બાકી

મળતી માહિતી મુજબ રાજકોટ શહેરનાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલ ગોવિંદપરા શેરી નં-2માં અને સોની બજારમાં પેઢી ધરાવતા કેતનભાઇ આડેસરા તેમજ વિશાલભાઇ આડેસરા નામના ભાઇઓને મુંબઇના ચાર શખસો પાસેથી આસરે રૂ. 3 કરોડ જેવી રકમ લેવાની બાકી હતી જે રકમ તેઓ આપતા ન હોવાથી તેમનો પરિવાર ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવતો હતો. જેના કારણે આજે સવારે કેતનભાઇ અને વિશાલભાઇએ પરિવારના સભ્યો સાથે આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતુ.

વેપારી અને તેના પરિવારે દવા પી લીધી

દરમિયાન ઘરના તમામ સભ્યોએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેના પગલે કેતન લલિતભાઇ આડેસરા (ઉ.વ.45), તેના પત્ની દિવ્યાબેન કેતનભાઇ આડેસરા (ઉ.વ.43), તેમનો પુત્ર જય કેતનભાઇ આડેસરા (ઉ.વ.21), ભાઇ વિશાલ લલિતભાઇ આડેસરા (ઉ.વ.43), તેની પત્ની સંગીતાબેન વિશાલભાઇ આડેસરા (ઉ.વ.41), પિતા લલિતભાઇ વલ્લભભાઇ આડેસરા (ઉ.વ.72) તેમજ માતા મીનાબેન લલિતભાઇ આડેસરા (ઉ.વ.64), ભત્રીજો અંશ વિશાલભાઇ આડેસરા (ઉ.વ.15) અને ભત્રીજી હેતાંશી વિશાલભાઇ આડેસરા (ઉ.વ.8)ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં સોની પરિવારના સંબંધીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા.

Back to top button