રાજકોટઃ BAPS મંદિરમાં 3000 વાનગીના મહાઅન્નકુટનું આયોજન, બે દિવસ થઈ શકશે દર્શન
- બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે રજત જયંતી પર્વે ૩૦૦૦થી અધિક વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટનો આરંભ
- મહાઅન્નકૂટની પ્રથમ આરતીનો લાભ લેતા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિતના અન્ય મહાનાભાવો
- નૂતનવર્ષે સવારે ૮ થી રાત્રે ૯ દરમિયાન ભક્તોને મહાઅન્નકૂટ દર્શનનો લાભ મળશે
(અહેવાલ અને ફોટાઃ ઉમેશભાઈ ગોરાહવા, બોટાદ)
રાજકોટઃ રાજકોટ બી.એ.પી.એસ. (Rajkot BAPS) સ્વામિનારાયણ મંદિરનાં (Swaminarayan mandir) રજત જયંતી મહોત્સવ ઉપક્રમે ભગવાનના મહાઅન્નકૂટ (Annakut, Annakoot)ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે જેનાં દર્શનનો લાભ તા.૧૩ અને ૧૪ નવેમ્બર બે દિવસ સુધી સવારે ૮ થી રાત્રે ૯ સુધી શહેરીજનો પ્રાપ્ત કરી શકશે.
નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછી જ તેનો સ્વીકાર થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિની (Hindu culture) પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી વિશ્વના ૫૫ દેશોનાં ૧૩૦૦ મંદિરોમાં નૂતન વર્ષે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓના અન્નકૂટ રચવામાં આવે છે.
રાજકોટ (Rajkot) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે ૪૫૦ જાતના વિવિધ મિષ્ટાન, ૩૦૦ જાતનાં વિવિધ ફરસાણ, ૧૦૦ જાતનું ભીનું મિષ્ટાન, ૨૦૦ જાતનાં ભીના ફરસાણ અને નાસ્તાઓ, ૪૯૫ જાતની ભીની વાનગીઓ, ૪૦૦ જાતની બેકરીની વાનગીઓ, ૧૪૦ જાતનાં આઈસક્રીમ અને કેન્ડી, ૨૮૦ જાતના મુખવાસ, અથાણાં અને ચીકી, ૮૦ જાતના સુકામેવા અને ફ્રુટ, ૫૫૫ જેટલા જ્યુસ, શરબત, લસ્સી, મિલ્કશેક અને સૂપ સહિત કુલ ૩૦૦૦થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ અને મંદિર પર ઠાકોરજી સમક્ષ રચવામાં આવ્યો છે.
આ મહાઅન્નકૂટમાં મિલેટસ વર્ષ નિમિત્તે સૌપ્રથમ કળશમાં મિલેટસની અદભુત ગોઠવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નમકીન, અનાજ, કઠોળ, ધાન્ય, મરી, મસાલા, તેજાના, ડ્રાયફ્રુટ, કપકેક, વગેરે વાનગીઓનાં ૮૦૦૦ જેટલા થાળ અવનવી ક્રિએટીવીટી સાથે ઠાકોરજીને ધરવામાં આવ્યા છે. આ તમામ વાનગીઓની તૈયારીઓ માટે છેલ્લા ૧૫ દિવસથી ડોક્ટર, સી.એ., ક્લાસ વન અધિકારી સહિતના ૨૦૦૦ સ્વયંસેવકો રાત દિવસ જોડાયા હતા. આ મહાઅન્નકૂટમાં મંદિરના મુખ્ય શિખર નીચે ધરાવવામાં આવેલી વિવિધ વાનગીઓમાંથી સૌપ્રથમવાર ચોકલેટમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ, ચોકલેટનો ફુવારો, મમરા અને ફ્રાયમ્સમાંથી બનાવેલાં તોરણો દર્શનાર્થીઓનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ મહાઅન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી, પૂર્વ ગવર્નરશ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીડીઓ શ્રી દેવ ચૌધરી, મેયર નયનાબેન પેઢડીયા, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મૌલેશભાઈ ઉકાણી તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શાળા સંચાલકો અને મહાનુભાવોની હાજરીમાં ૧૦:૦૦ વાગ્યે સંપન્ન થયેલી અને ત્યારબાદ દર કલાકે રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી બે દિવસ સુધી આરતીનો લાભ પ્રાપ્ત થશે.
આ મહાઅન્નકૂટમાં ભગવાનને ધરાવેલી વાનગીઓ પ્રસાદરૂપે રાજકોટ શહેરનાં અનાથાશ્રમ, વૃદ્ધધાશ્રમ, બાલાશ્રમ, મુકબધીર આશ્રમ ઉપરાંત રાજકોટ જેલના કેદીઓ અને રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડાઓમાં હજારો ભક્તો-ભાવિકોના ઘરોમાં પહોચાડવામાં આવશે.
રાજકોટ મંદિરમાં યોજાયેલા મહાઅન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના ૨૨ સંતો તથા ૨૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
તા.૧૩ અને ૧૪ નવેમ્બર બે દિવસ સુધી અત્યાર સુધી ન નિહાળ્યો હોય એવા અતિભવ્ય મહાઅન્નકૂટ ઉત્સવનાં દર્શનનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તો લઈ શકે છે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં દિવાળી, પીએમ મોદીએ દીપોત્સવની સુંદર તસવીરો શેર કરી