રાજકોટ લોકમેળાનો વિવાદ વકર્યો, યાંત્રિક રાઈડ્સ ઉતારી લેવાની જાહેરાત
રાજકોટ, 26 ઓગસ્ટ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પ્રકરણના લીધે આ વખતે જન્માષ્ટમીના મેળામાં યાંત્રિક રાઈડ્સ લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક SOP જાહેર કરવામાં આવી હતી. જે SOPને લઈને વિવાદ સર્જાયો છે. SOPમાં રાઈડ્સ સંચાલકો દ્વારા છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેવી જાહેરાત બાદ હવે લોકમેળામાં નવો વિવાદ સર્જાયો છે. આ યાંત્રિક રાઈડ્સના પ્લોટ્સ ખરીદનાર દ્વારા તમામ રાઈડ્સ ઉતારી લેવાની જાહેરાત કરવામાં આવી છે.
રાઈડ્સની SOP અંગે કોઈ નિર્ણય ન આવતા જાહેરાત કરાઈ
રાજકોટ ધરોહર લોકમેળામાં લગાવવામાં આવેલી તમામ યાંત્રિક રાઈડ્સ ઉતારી લેવાની પ્લોટ્સ ખરીદનાર અને સંચાલક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ વિવાદમાં જિલ્લા કલેકટર, PWDના યાંત્રિક રાઈડ્સ વિભાગ અને પોલીસ કમિશનર કોઈ નિર્ણય ન લઈ શકતા ન છૂટકે જાહેરાત કરવી પડી છે. ઉપરાંત રૂ.1.28 કરોડ જે હરાજીમાં ભરેલા હતા તે અને તમામ યાંત્રિક રાઈડ્સ લઈ આવવા તેમજ તેને લઈ જવાનું ભાડું થઈ કુલ સવા બે કરોડની રકમ તંત્ર પાસેથી પરત માંગવામાં આવશે. જો જિલ્લા વહીવટી તંત્ર રૂપિયા પરત નહિ કરે તો હાઈકોર્ટમાં દાવો કરવામાં આવશે.
લોકમેળા રદ્દ કરી તમામ રકમ પરત આપવા માંગ
દરમિયાન રાજકોટ લોકમેળા અંગે વરસાદી માહોલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં લોકમેળાના સ્ટોલધારકોએ મેળો રદ્દ કરવાની કરી માંગ કરવામાં આવી છે. લોકમેળામાં સતત બે દિવસથી વરસાદ આવતો હોવાથી અને ૩૦ તારીખ સુધી આગાહી હોવાથી મેળો રદ્દ કરવાની માંગ કરાઈ છે. ઉપરાંત સ્ટોલધારકોએ તેને ખરીદેલા પ્લોટના રૂપિયા રિફંડ કરવાની પણ માંગ કરી છે. આ સ્ટોલ ધારકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપીને માંગ કરવામાં આવી છે.