કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટ : આફ્રિકામાં પતિએ પત્નીને કહ્યું, કાલે મરવું હોય તો આજે જ મરી જા
રાજકોટની પરિણીતાને આફ્રિકામાં રહેતા પતિ તેમજ પાલનપુરમાં સસરિયાઓએ લગ્નના બીજા દિવસ બાદથી જ ત્રાસ આપવાનું શરુ કરી દેતાં તેણે પોતાના પિયરે આવી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાને પતિએ આફ્રિકામાં મરી જવા માટેની પણ ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
વર્ષ 2015માં કોર્ટ મેરેજ કર્યા, લગ્નના બીજા દિવસે જ નણંદે તમાચો માર્યો
મળતી માહિતી મુજબ કોઠારીયા રોડ પરની મહેશ્ર્વરી સોસાયટીમાં ભાઈને ત્યાં રહેતી કીર્તીબેન નામની 29 વર્ષની પરણીતાએ પાલનપુરમાં રહેતાં પતિ મનિષ કાન્તીભાઈ સોની, સાસુ માલવીકાબેન, નણંદ સેજલબેન વિજયભાઈ સોની અને દિયર અનિલ (રહે, તીરૂપત્તી નંદવિહાર સોસાયટી, સન સ્ટેશન, અંબાજી હાઈવે) વિરૂધ્ધ મારકુટ કરી, ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં કીર્તીબેને જણાવ્યું છે કે, તેના માતા-પિતા લોધીકા રહે છે. 2015ની સાલમાં કોર્ટ મેરેજ કર્યા હતાં. સંતાનપ્રાપ્તી થઈ નથી. લગ્નનાં બીજા જ દિવસે નણંદનાં લીધે ઘરમાં ઝઘડો થતાં નણંદે તેને તમાચો ઝીંકી દીધો હતો. નણંદ સાત આઠ વર્ષથી રીસામણે છે. તેને મારકુટ કરી ત્યારે સાસરીયા પક્ષનાં સભ્યોએ તેનો સાથ આપ્યો ન હતો.
મારકુટ કરી ઘરની બહાર કાઢી મુકતા, સંસાર ચલાવવો હોવાથી મુંગા મોઢે ત્રાસ સહન કરતી
એટલું જ નહિં સાસુ અને નણંદ અવાર નવાર પતિને ચડામણી કરતા હતાં. જેને કારણે પતિ મારકુટ કરી ઘરની બહાર કાઢી મુકતો હતો. ઘર સંસાર ચલાવવો હોવાથી મુંગા મોઢે ત્રાસ સહન કરતી હતી. પતિ આફ્રીકા ખાતે નોકરી કરતો હોવાથી ત્યાં તેની સાથે જતી રહી હતી. આમ છતાં સાસુ, નણંદ અને દિયર તેના પતિને કોલ કરી ચડામણી કરતાં હતાં. પરિણામે આફ્રીકામાં પણ પતિ તેની સાથે નાની નાની બાબતમાં ઝઘડો કરી હાથ ઉપાડી લેતો હતો. તેને બાળક થતા ન હોવાથી સાસુ, નણંદ અને દિયર તેના પતિને કહેતા કે, આપણે આને ખોટી સાચવીયે છીએ, બાળકો થતા ન હોય તો આને કોણ સાચવે?
રાજીખુશીથી માતા – પિતાના બોલાવવાથી ઈન્ડિયા જાય છે તેવું લખાણ કરી દેવાની ધમકી આપી
બાળકો થતા ન હોવાથી તેણે રીપોર્ટ કરાવ્યો હતો. જે નોર્મલ આવ્યો હતો. એકાદ વર્ષ પહેલા પતિએ આફ્રીકામાં ઝઘડો કરી તેનો મોબાઈલ તોડી નાંખી મારકુટ કરી હતી. સાથોસાથ એમ પણ કહ્યું કે, તું કાલે મરતી હો તો આજે મરી જા. મને આ ઘરમાં કાલે દેખાતી નહીં. મારે તું જોઈતી નથી. મારે તારી શું જરૂર છે. પૈસા આપવાથી મને બધુ મળી જશે. પરિણામે તે સગાનાં ઘરે જતી રહી હતી. જયાં ચાર પાંચ દિવસ રોકાઈ હતી. પતિ પાસપોર્ટ આપતો ન હતો. જેની સામે એવી શરત મુકતો હતો કે, તે તેને રાજીખુશીથી માતા – પિતાના બોલાવવાથી ઈન્ડિયા જાય છે તેવું લખાણ કરી આપે. પરંતુ તેણે તેવું લખાણ કરી આપ્યું ન હતું.
ઈન્ડિયન એમ્બેસીમાં જવાની વાત કરતાં પતિએ પાસપોર્ટ અને પુરો સામાન આપી દીધો
આખરે કોઈની સલાહથી ઈન્ડિયન એમ્બેસીમાં જવાની વાત કરતાં પતિએ પાસપોર્ટ અને પુરો સામાન આપી દીધો હતો. બાદમાં રાજકોટ ખાતે ભાઈના ઘરે રહેવા આવી ગઈ હતી. એક વખત સાસરીયાઓ તેના ઘરે લોધીકા સમાધાન માંટે આવ્યા હતાં. પરંતુ ત્યાં પતિએ તેનાં માતા પિતાને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં તેનાં પિતાને મારવા દોડતા સમાધાન થયું ન હતું. આ પછી સાસરીયા પક્ષનાં સભ્યો કોઈ જવાબ દેતા ન હતાં. જેથી કંટાળીને મહિલા પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે આજે પોલીસે ગુનો દાખલ કર્યો છે.