ગુજરાતચૂંટણી 2022

રાજકોટઃ પાણી જ નથી મળતું તો વેડફવાનો દંડ ક્યાંથી વસુલશો સાહેબ ?

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણીની બચત કરવા અને વેડફાટ અટકાવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાણીનો વેડફાટ થતો દેખાશે તો વિવિધ ઝોનમાં કાર્યરત ટીમ દ્વારા 250થી લઈને 1000 સુધીનો દંડ વસૂલવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણીની પારાયણ યથાવત છે જેથી રાજકોટની જનતા સવાલ ઉઠાવી રહી છે કે પહેલા પાણી નિયમીત આપો પછી વેડફાય તો દંડ કરજો સાહેબ. તો બીજી તરફ આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસમાંથી તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતાઓ સક્રિય થયા છે.

કોંગ્રેસમાં નિષ્ક્રિય સાગઠિયા અને રાજ્યગુરૂના આપમાં આવતા જ સૂર બદલાયા
શહેરના જળાશયો ભરેલા છતાં લોકોને પૂરતું પાણી અપાતું નથી આવું નિવેદન ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આપ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટમાં લોકોને પુરતું,શુધ્ધ,નિયમિત પાણી મળે છે કે નહીં તેના મોનીટરીંગમાં લાંબા સમયથી લોલંલોલ ચાલી રહી છે. ત્યારે મનપાએ માત્ર પાણીચોરીનું ચેકીંગ કરતા આમ આદમી પાર્ટીએ મનપા કચેરીએ ધસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવું ચેકીંગ જારી રહેશે તો આંદોલનની ચિમકી આપી છે. આ સાથે કોંગ્રેસમાં સુસ્ત બનેલા કોર્પોરેટર વશરામ સાગઠીયા હવે આમ આદમી પાર્ટી સાથે લોકોના પ્રશ્ને વિરોધ કરવા સક્રિય બન્યા છે અને રજૂઆતની આગેવાની લીધી હતી.

તાજેતરમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠિયા આપમાં જોડાયા છે

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં ભળેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે લોકો પર પાણીચોરીનું આળ મુકીને દંડ વસુલવામાં આવે છે તે ન્યાયિક નથી, લોકોને ઈલેક્ટ્રીક મોટર ખરીદી, વિજળી બાળીને પાણીનું પમ્પીંગ કરવાનો શોખ નથી હોતો પરંતુ, વોટરવર્ક્સની નિષ્ફળતાથી પૂરા દબાણથી પાણી ન આવતું હોય ત્યારે મોટરો મુકાય છે.રાજકોટના આજી,ન્યારી, ભાદર ડેમ ભરેલા છે ત્યારે મનપાએ પહેલા લોકોને પૂરા ફોર્સથી પાણી મળે તે સુનિશ્ચિત કરે તેવી માંગ કરાઈ છે.

દરમિયાન, મનપામાં ખોરંભે પડેલા કામો, પ્રોજેક્ટોમાં શંકાસ્પદ મોટી રકમનું આંધણથી માંડીને રસ્તા,ઉભરાતી ગટરો,બ્રીજના કામોથી હાલાકી સહિતના અનેક પ્રશ્ને કોંગ્રેસમાં પ્રમુખ બદલાયા છતાં સ્થિતિ બદલાઈ નથી. કોંગ્રેસના શહેર સંગઠનને સાઈડમાં રાખીને કોંગ્રેસના સક્રિય કાર્યકરો પોતાની રીતે રજૂઆતો કરવા લાગ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે લોકસંપર્ક શરૂ કર્યો છે.

મનપામાં કોંગ્રેસના 4 પૈકી બે કોર્પોરેટરોએ પક્ષપલ્ટો કર્યો તેમને કોઈ સુવિધા નહીં આપવા રજૂઆત પરત્વે હજુ સુધી તેમને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરાવવા કમિશનર દ્વારા નિર્ણય લેવાયો નથી. તો બીજી તરફ આ કોર્પોરેટરોએ બીજા પક્ષમાં વિરોધપક્ષ તરીકે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Back to top button