રાજકોટઃ ગ્રાફિક ડિઝાઈનરે પોતાની જ ઓફિસમાં વખ ઘોળ્યું, પ્રાથમિક તપાસમાં બિઝનેસ ચાલતો ન હોવાથી આત્મહત્યા કરી
રાજકોટ શહેરમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. રોજ બેથી ત્રણ આપઘાતના બનાવ સામે આવી રહ્યાં છે. ત્યારે આજે શહેરના ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનર વિવેક સોરઠિયાએ પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. અને આત્મહત્યા અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા ધંધો ચાલતો ન હોવાથી ગ્રાફિક ડિઝાઇનરે આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.
ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું
શહેરમાં 150 ફૂટ રિંગરોડ પર લક્ષ્મણઝુલા સોસાયટીમાં રહેતો વિવેક કમલેશભાઈ સોરઠિયા (ઉં.વ.23)એ ગાયત્રીનગરમાં તેની ગ્રાફિક ડિઝાઇનની ઓફિસમાં ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.
વિવેક બે ભાઈમાં નાનો હતો
બનાવ અંગે ભક્તિનગર પોલીસે તપાસ કરતા વિવેક બે ભાઈમાં નાનો હોવાનું અને અપરણિત હોવાનું સામે આવ્યું છે. વિવેક તેના મોટાભાઈ સાથે ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનની ઓફિસ ચલાવતો હતો. લોકડાઉન બાદ ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી જઈ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નહોતી. પરંતુ હાલ પરિવારજનોના નિવેદન મેળવી વિવેકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.