રાજકોટ : મેળામાં ગયેલા ગર્લફ્રેન્ડ – બોયફ્રેન્ડને સગીરાના સગા જોઈ જતા સગીરને માર્યો
રાજકોટના લોકમેળામાં ફરવા માટે ગયેલા સગીરવયના ગર્લફ્રેન્ડ – બોયફ્રેન્ડને સગીરાના સંબધી જોઈ જતા તેણીના ફ્રેન્ડને પકડી રિક્ષામાં નાંખી રૈયાધાર સ્લમ ક્વાર્ટરથી આગળ નવા રિંગ રોડ પર તેનું અપહરણ કરી જઇને માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર રૈયાધાર વિસ્તારમાં રહેતો અને ધોરણ 10માં કરે છે અભ્યાસ
આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ યુનિવર્સિટી પોલીસે 14 વર્ષના સગીરના પિતાની ફરિયાદ પરથી કાંતિભાઇ, હંસાબેન, ચિરાગ અને ચાર અજાણ્યા શખસ વિરૂદ્ધ અપહરણ-રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, મારે સંતાનમાં બે દીકરા છે, જેમાં એક 17 વર્ષનો અને બીજો 14 વર્ષનો છે, જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગઇકાલે બપોરે બે વાગ્યે હું તથા મારી પત્ની અને બંને દીકરા જમવા બેસતા હતા, ત્યારે નાના 14 વર્ષના દીકરાને તેના મિત્રનો ફોન આવતાં તે જમ્યા વગર ઘરેથી હમણા ચોકમાં જઇને આવું છું તેમ કહીને નીકળી ગયો હતો. એ પછી તે સાંજના ચાર વાગ્યા સુધી પરત આવ્યો નહોતો. અમે ફોન કરતાં ફોન પણ ઉપાડતો નહોતો. ત્યારબાદ અમે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાંજે સાડા પાંચેક વાગ્યે મારો મોટો દીકરો મારા નાના દીકરાને લઇને ઘરે આવ્યો હતો. ત્યારે નાના દીકરાને મોઢા પર મારના નિશાન હતાં. અમે તેને શું થયું? તેમ પૂછતાં તેણે કહ્યું કે મારી સાથે ભણતી એક છોકરી મારી મિત્ર હોય અમારે બન્નેને મેળામાં જવાનું હોય તેને મેં રામાપીર ચોકડીએ બોલાવી હતી. આઠમની સવારે હું, મારી ફ્રેન્ડ અને મારો એક મિત્ર એમ ત્રણેય રેસકોર્સ મેળામાં ગયા હતાં. ત્યાં મારી ફ્રેન્ડના સગા અમને જોઇ ગયા હતાં. એ પછી બપોરે એક વાગ્યે મેં મારી ફ્રેન્ડને રામાપીર ચોકડીએ બાઇકમાંથી ઉતારી હતી. ત્યારબાદ બપોરે એક વાગ્યે મારા મિત્રએ મને ફોન કરી ચોકમાં બોલાવતાં હું તેની સાથે હતો ત્યારે એક રિક્ષામાં ચાર અજાણ્યા શખસ આવ્યા હતા અને મને રિક્ષામાં નાંખી રૈયાધાર સ્લમ ક્વાર્ટરથી આગળ નવા રિંગ રોડ પર લઇ ગયા હતાં. જ્યાં મારી સાથે ભણતી મારી ફ્રેન્ડના માતા-પિતા સહિતના લોકો હતા. તેણે મને પ્લાસ્ટિકની પાઇપ, લાકડી અને પટ્ટાથી બેફામ માર માર્યો હતો. તેમજ લાફા પણ માર્યા હતા. બાદમાં અમારી છોકરીની સામે બીજીવાર જોતો નહીં તેમ કહી છોડી મૂક્યો હતો. દીકરાની આ વાત સાંભળી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડતાં યુનિવર્સિટી પોલીસ મથકના PSI બી. જી. ડાંગર અને સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.