કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ ગેમઝોન કાંડ : મૃત્યુઆંક 32 થયો, જાણો ઘટનાનું A to Z

  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વહેલી સવારે રાજકોટ પહોંચ્યા
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે ઘટનાસ્થળની મુલાકાત લીધી
  • ગૃહમંત્રીએ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કરી બેઠક
  • SIT ટીમે રાતથી જ પોતાની તપાસ શરૂ કરી દીધી

રાજકોટ, 26 મે : રાજકોટવાસીઓ તા.25 મે અને શનિવાર પોતાની ઝીંદગીમાં ક્યારેક ભૂલી શકશે નહીં. ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બાળકો સહિત એક બાદ એક ભડથું થઈ ગયેલા લોકોના મૃતદેહ મળ્યા અને આજે સવાર સુધીમાં આ મૃત્યુઆંક વધીને 32એ પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રપતિ સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો

 

આગની ઘટનામાં SIT તપાસના આદેશ

મળતી માહિતી મુજબ, રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના શનિવારે સાંજે બની હતી. ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો ‘ટીઆરપી ગેમ ઝોન’માં માનવીય બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા 32 નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ ગયા હતા. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. IPS સુભાષ ત્રીવેદીની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. તેમજ, આ કમિટીમાં IAS બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ. પી. સંધવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે. એન. ખડિયા અને એમ. બી. દેસાઈ કમિટીના સભ્યો રહેશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કમિટી 10 દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરશે.

DNA તપાસ બાદ મૃતદેહ સોંપાશે

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર 32 લોકોના મોતથી શોકગ્રસ્ત બન્યું છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિત 10ની ધરપકડ

TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતકોના પરિજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

TRP ગેમિંગ ઝોનને NOC નહોતું મળ્યું : કલેક્ટર

રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટના કારણોસર લાગી હોવાનું મનાય છે. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે.

2000 લીટર ડીઝલ, 1500 લીટર પેટ્રોલ સ્ટોર કર્યું હતું

જાણવા મળ્યા મુજબ ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

આગને કારણે માળખું ધરાશાયી થતા દટાયેલા લોકો બહાર ન આવી શક્યા

આ મામલે ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાના અહેવાલ છે.

માત્ર રૂ.99માં ફ્રી એન્ટ્રીની ઓફર હતી

તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગેમ ઝોન ખાતે રેસીંગ કાર માટે ઉપયોગમાં લેવા માટે રાખવામાં પેટ્રોલ-ડીઝલનો આટલો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો વધુમાં જાણવા મળ્યું છે કે આજે ગેમઝોનમાં 99 રૂપિયામાં ફ્રી એન્ટ્રીની ઓફર આપવામાં આવી હતી.

તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ

આગ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે આગના કારણની તપાસ કરવામાં આવશે અને શહેરના તમામ ગેમિંગ એરિયામાં કામગીરી બંધ કરવા માટે સંદેશો જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.

અહીં વાંચો ઘટનાની ટૂંકી વિગત

  • 5:37PM: ગેમઝોનમાં આગજનીનો બનાવ
  • 5:38PM: આગના કારણે નાસભાગ મચી
  • 5:45PM: ફાયર બ્રિગેડને કોલ મળ્યો
  • 5:50PM: ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળ પર પહોંચ્યા
  • 5:55PM: આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કર્યું
  • 6:00PM: ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ
  • 06:01PM: ઇજાગ્રસ્ત લોકો અને મૃતકોની લાશને બહાર કાઢવાની શરૂ કરાયું
  • 6:20PM : કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા
  • 7:15 PM : આગમાં ચારના મોતની ખબર સામે આવી
  • 7:20 PM : બે મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
  • 7:22 PM : આખું ગેમઝોન બળીને ભસ્મીભૂત
  • 7:29 PM : સિવિલ હોસ્પિટલ 4 મૃતદેહ પહોંચ્યા
  • 7:32 PM : ચીફ ફાયર ઓફિસરે 6 લોકોના મોતની પૃષ્ટી થઇ
  • 7:47 PM : ભયાનક આગમાં 8ના મોત
  • 7:55PM : આગમાં હોમાયેલા 8 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • 8:05PM : 17 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
  • 8:15 PM : સિવિલ હોસ્પિટલમાં દોડધામ વધી
  • 8:25 PM : સિવિલ હોસ્પિટલમાં 20 મૃતદેહ આવ્યા
  • 10:30 PM: 25 મૃતદેહોને હોસ્પિટલ PM અર્થે ખસેડાયા
  • 11:15 PM : સિવિલ હોસ્પિટલમાં 28 મૃતદેહ આવ્યા
  • 2:38 AM : ઘટના સ્થળે ગૃહમંત્રી રાજકોટ પહોંચ્યા
  • 3:15 AM : કલેક્ટર ઓફિસ ખાતે પદ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક
  • 4:00 AM : જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક
Back to top button