રાજકોટમાં કોરોનાકાળના બે વર્ષના કપરા સમયગાળા બાદ આ વર્ષે રંગીલો લોકમેળો યોજવાનો છે. તંત્રએ તેની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે આજથી આ લોકમેળામાં સ્ટોલ માટેના ફોર્મ વિતરણની શરૂઆત કરવામાં આવી છે.
પ્રથમ દિવસે જ 200 ફોર્મ ઉપડી ગયા, લોકોમાં ભારે ઉત્સાહ
આજથી લોકમેળા માટે ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં જૂની કલેક્ટર કચેરી અને શાસ્ત્રીમેદાન પાસે આવેલી ઇન્ડિયન બેંકમાંથી આ ફોર્મ મેળવવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી છે. બે વર્ષ બાદ મેળો યોજવાનો છે ત્યારે લોકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા છે. પ્રથમ દિવસે જ 200થી વધુ ફોર્મ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
રમકડાં, ખાણીપીણી અને રાઈડ્સ માટેના ફોર્મની વધુ માંગ
આજથી શરૂ થયેલા લોકમેળાના ફોર્મ વિતરણમાં પ્રથમ દિવસના અંતે 200થી વધુ ફોર્મ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે સૌથી વધુ ફોર્મ રમકડાં, ખાણીપીણી અને રાઈડ્સના સ્ટોલ માટે ઉપડ્યા છે.
187 સ્ટોલ માટે આગામી 16 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
જૂની કલેક્ટર કચેરી અને શહેરના શાસ્ત્રીમેદાન પાસે આવેલી ઇન્ડિયન બેંકમાંથી આજથી મેળાના સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરૂ થઈ ગયા છે. આ ફોર્મ આગામી તારીખ 16 જુલાઈ સુધી ભરી શકાશે. આ ફોર્મની કિંમત રૂ.100 રાખવામાં આવી છે.
17થી ઓગસ્ટથી પાંચ દિવસ યોજાશે લોકમેળો
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને પ્રખ્યાત રાજકોટનો લોકમેળો આગામી તા.17 ઓગસ્ટથી 21 સુધી યોજવાનો છે. જેના માટે તંત્રએ ઘણા દિવસથી તૈયારીઓ આરંભી દીધી હતી.