રાજકોટ : હુમલા પ્રકરણમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને રીમાન્ડ અર્થે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવાન પર જુની અદાવતને કારણે ખુની હુમલો કરવાના ગુનામાં વોન્ટેડ લોકગાયક દેવાયત દાનભાઈ ખવડ (ઉ.વ.36 રહે. રવિ રત્ન પાર્કની બાજુમાં, ગોલ્ડન પાર્ક શેરી નં-2) ગત બપોરે નાટકીય ઢબે ક્રાઈમ બ્રાન્ચના શરણે આવતા એ-ડીવીઝન પોલીસને કબ્જો સોંપાયો હતો. જેણે વિધીવત ધરપકડ કરી હતી. ત્યારે હવે આજે રીમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજુ કરાશે.
શું છે સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ રાજકોટમાં ગઈ તા.7ના રોજ સર્વેશ્વર ચોક નજીકની શેરીમાં મયુરસિંહ પોતાની પાર્ક કરેલી કાર તરફ પગપાળા જતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં ધસી આવેલા દેવાયત ખવડ તેનો સાગરીત સાથે પાઈપ વડે તુટી પડયો હતો. પાઈપના આડેધડ ઘા ઝીંકાતા મયુરસિંહને માથામાં અને મગમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ-ડીવીઝન પોલીસે તેની ફરિયાદના આધારે દેવાયત ખવડ અને બે અજાણ્યા શખ્સો સામે ખુનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
દેવાયત ખવડ 10 દિવસથી હતો ફરાર
આ ગુનામાં છેલ્લા દસ દિવસથી દેવાયત ખવડ ફરાર હતો. એટલુ જ નહી તેણે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી પણ કરી હતી. બીજી તરફ ઈજા પામનાર મયુરસિંહના પરીવારજનોએ તત્કાળ દેવાયત ખવડની ધરપકડ કરવા માંગણી કરી હતી. એટલુ જ નહી જો તત્કાળ ધરપકડ નહી થાય તો પોલીસ કમિશનર કચેરીમાં ધરણા, ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.
રીમાન્ડ દરમિયાન અન્ય સાગરીતોની ભાડ મેળવાશે
હવે આજે એ-ડીવીઝન પોલીસ દેવાયત ખવડના રીમાન્ડ માંગશે. તેની સાથે ગુનામાં અન્ય કયા કયા આરોપીઓની સંડોવણી હતી તેની માહિતી મેળવવા, ગુનામાં વપરાયેલી નંબર વગરની સ્વીફટ કાર, હથીયારો કબ્જે કરવા, વોન્ટેડ રહ્યા દરમ્યાન કયાં કયાં આશરો લીધો તે સહિતના મુદ્દે પોલીસ રીમાન્ડ માંગવાની છે.