કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા

Text To Speech

રાજકોટ, 25 જૂન 2024, શહેરમાં TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો અને એમાં ફાયર સેફ્ટી ન હતી કે ન કોઈ બાંધકામની પરમિશન હતી. આજે આ ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ હાથ જોડીને દુકાનો અને સ્કૂલો બંધ કરાવી હતી. તો મોટાભાગના વેપારીઓએ કોંગ્રેસને સમર્થન આપીને દુકાનો બંધ રાખી હતી.

NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી
રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા છે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહિ હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવા માંગ કરવામાં આવી રહી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે. જ્યારે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે.

તમામ દુકાનો અને શો-રૂમ આજે બંધ
રાજકોટની શાન ગણાતી સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાઈ છે. સોની બજારની તમામ દુકાનો અને શો-રૂમ આજે બંધ જોવા મળી રહ્યા છે.સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે.પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.વેપારીઓએ બપોરના 2.30 વાગ્યા સુધી બંધ પાળી પીડિતોને શ્રધ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પીડિતોને ન્યાય મળે તેવી સરકાર પાસે વેપારીઓએ માગ કરી છે.રાજકોટ બંધને વેપારીઓનું સમર્થન મળી રહ્યું છે. શહેરની મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહિ તે માટે શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડ સંસદમાં ગાજશેઃ રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે ઓનલાઈન વાત કરી

Back to top button