રાજકોટ અગ્નિકાંડઃ ભાજપના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું, જાણો પોસ્ટમાં શું લખ્યું
રાજકોટ, 28 મે 2024, TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં 28માંથી માત્ર 11 લોકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. ત્યારે શાસક પક્ષ ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આ ઘટનામાં ક્યાંય દેખાયા નહીં તેવી ચર્ચાઓ ચાલી હતી. બીજી બાજુ રાજકોટમાં ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાનો હસતો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબારનું અગ્નિકાંડની ઘટનાને લઈને દર્દ છલકાયું છે. તેમણે એક્સ પર પોસ્ટ લખીને હૈયા વરાળ ઠાલવી છે.
ડો. ભરત કાનાબારની પોસ્ટે સોશિયલ મીડિયામા ચર્ચા જગાવી
અમરેલીના ભાજપના દિગ્ગજ નેતા ડો. ભરત કાનાબારે એક્સ પર પોસ્ટ લખીને કટાક્ષ કર્યો હતો કે, આ દેશ માં લોકો જીવતા નથી ખદબદે છે. પ્રજાની દાઢમાથી ફુંફાડાનું ઝેર જ કાઢી લીધું છે.145 કરોડ છીએ પણ નાત-જાતમાં વહેંચાયેલા છીએ.ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં, કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો ને પ્રજા રોજમદાર છે અહીં. તેમણે આ પોસ્ટ લખીને અધિકારી રાજ પર ટોણો માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી વખતે પણ સુરતની સીટ બિનહરિફ થતાં તેમણે એક્સ પર પોસ્ટ લખીને સૌને ચોંકાવ્યા હતાં.
એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથીઃ પરેશ ધાનાણી
બીજી તરફ કોંગ્રેસના નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કાયદાનું પાલન કરવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા પાસે હોય છે. ત્યારે મહાનગરપાલિકા આ કાયદાની અમલ વારી કરવામાં ઉણી ઊતરી છે. જો કામદાર ક્યાંય ક્ષતી કરે તો સુપરવાઇઝરની જવાબદારી બને છે. તે જ પ્રકારે નાની માછલીઓને પકડી મગરમચ્છોને જે રીતે છોડી દેવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે. તક્ષશિલામાં 22 બાળકો હરણી તળાવ વડોદરામાં 14 જિંદગીઓ ડૂબી જાય, મોરબીના ઝુલતા પુલમાં મચ્છુની ગોદમાં કેટલાય સમાઈ જાય, સરકારની નિષ્ફળતા ઊભી થાય ત્યારે SITની રચના કરે છે. 20 વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી. સીટની રચના એ પડદો પાડવાની બાબત છે ચાર વર્ષથી ગેમ ઝોનનું કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ચાલતું હતું આ મોતના તાંડવ માટે જવાબદાર કોણ અધિકારીઓ ઇવેન્ટ મેનેજર બની ગયા છે. એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે જેનો ભોગ ગુજરાતની પ્રજા અને ભૂલકાઓ બની રહ્યા છે હવે સાથે મળી ગુજરાતના જન જનની સુરક્ષા કરીએ રાજનીતિ બંધ કરવી જોઈએ.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડ: 28માંથી 11 મૃતદેહો પરિવારજનોને સોંપાયા, બ્રાહ્મણોએ શાંતિ પાઠ કર્યા