રાજકોટ અગ્નિકાંડ : SIT રીપોર્ટ બાદ ફાયર વિભાગના વધુ 2 અધિકારીઓની ધરપકડ
- CFO ખેર અને ડે.CFO ઠેબાને સકંજામાં લેવાયા
- બે અધિકારીઓ ઉપરાંત વેંલ્ડીંગ સુપરવાઈઝરને પણ અટકમાં લેવાયો
- અત્યારે 3 સહિત ધરપકડનો કુલ આંક 15 ઉપર પહોંચ્યો
રાજકોટ, 23 જૂન : રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયંકર આગની ઘટનામાં 27 સળગીને ભળથુ થવાની ગોજારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ટીપી શાખાના મનસુખ સાગઠીયા સહિત 12ની ધરપકડ કરાયા બાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને વેલ્ડીંગ સુપરવાપઝરની ક્રાઈમબ્રાન્ચના સ્ટાફે કરતા ધરપકડનો આંક 15 ઉપર પહોંચ્યો છે. અગ્નિકાંડની તપાસ કરતી સિટ દ્વારા ગઈકાલે સરકારને 107 પેઈઝનો ધગધગતો રિપોર્ટ રજુ કર્યા બાદ પોલીસ તપાસમાં ઝડપ આવી ગઈ હોય તેમ વધુ ત્રણની ધરપકડ કર્યા બાદ ટૂંક સમયમાં વધુ કેટલાકની ધરપકડ થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.
પોલીસની સિટ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી
રાજ્યભરમાં હાહાકાર મચાવનાર સાપરાધ મનુષ્યવધના ગુનામાં ઘટનાના 28 દિવસ બાદ રાજકોટ પોલીસની ‘સિટ ‘દ્વારા મહાપાલિકામાં આજ સુધી ફરજ બજાવતા રહેલા ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની તેમજ તાજેતરમાં લાંચના ગુનામાં જેલહવાલે રહેલા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાની અને ગેમઝોનમાં જેના બેદરકારીભર્યા કામથી આગ લાગી તે વેલ્ડીંગ કામ રાખનાર અને આગના આરંભે દાઝી જનાર ગોંડલના મનોજ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓની શું ભુમિકા હતી ?
આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા DCP પાર્થરાજસિંહ ગોહિલ અને ACP ભરત બસિયાએ જણાવ્યું આરોપી CFO ઈલેશ વાલાભાઈ ખેર (ઉ.વ.૪૫)ને આ ગેમઝોનમાં તા.૪-૯-૨૦૨૩ના આગ લાગી તેનાથી તે વાકેફ હતા. ઉપરાંત ગેમઝોન ચાલુ કરવા માટે પોલીસ દ્વારા બૂકીંગ લાયસન્સ અપાયું તેની નકલ પણ આ અધિકારીને મોકલવામાં આવી હતી. આમ, તેઓ જાણતા હોવા છતાં ત્યાં સ્થળ તપાસ કરીને પગલા ન લીધા તેમજ ગેમઝોન ફાયર NOC કે ફાયર સેફ્ટી નહીં હોવા છતાં લાંબા સમયથી ચાલુ હોવાથી માહિતગાર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરી નહીં.
ઉલ્લેખનીય છે કે ફાયર NOC અપાયું હોય ત્યાં ચેકીંગ કરવાની સાથે ફાયરબ્રિગેડે આવું NOC વગર ચાલતી બિલ્ડીંગોની પણ તપાસ કરીને પગલા લેવાના હોય છે. કારણ કે NOC આપવાની સત્તા ફાયર બ્રિગેડ પાસે છે. જ્યારે તત્કાલીન ડેપ્યુટી CFO બી.જે.ઠેબાએ પણ પોતે આ સ્થળે અગાઉ આગ લાગી છે અને છતાં ગેમઝોન ચાલુ છે તે જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી કરી ન્હોતી. ઉલ્લેખનીય છે કે ડે.CFO બાબુભાઈ ઠેબાએ NOC માટે પૈસા માંગ્યાનો આક્ષેપ રાજકોટના સાંસદે પણ કર્યો હતો.
ACBની તપાસમાં તા.૧-૪-૨૦૧૨થી તા.૩૧-૩-૨૦૨૪ દરમિયાન ઠેબાએ હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટ રીતરસમોથી મિલ્કતો વસાવ્યાનું અને આવક કરતા ૭૯,૯૪,૧૫૩ની વધુ એટલે કે ૬૭ ટકા વધુ સંપત્તિ હોવાનું ખુલતા લાંચના ગુનામાં તેની અગાઉ ધરપકડ કરાઈ હતી અને જેલહવાલે થયા હતા. SITની પોલીસે વોરંટથી બી.જે.ઠેબાનો જેલમાંથી કબજો લઈને અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ કરી છે.
જ્યારે ધરપકડ થયેલ ત્રીજા આરોપી મહેશ અમૃતલાલ રાઠોડ (રહે.મૂળ ગોંડલ) ગેમઝોનના ભાગીદાર રાહુલના કાકા થતા હોય ત્યાં સ્નો પાર્ક માટે વેલ્ડીંગ કામ ચાલતું હતું તેનું સુપરવિઝન કરતો હતો. આ વેલ્ડીંગ કામમાં બેદરકારીથી તણખાં નીચે જ્વલનશીલ વસ્તુઓ પર પડતા તેનાથી આગ લાગી જે અત્યંત વિકરાળ બનીને સમગ્ર ગેમઝોનમાં પ્રસરી હતી. આ ગુનાહિત બેદરકારી બદલ તેની આજે ધરપકડ કરાઈ છે. પોલીસે અગાઉ મહેશ રાઠોડનું નિવેદન લીધું હતું અને આ ઈસમ પણ શરુઆતની આગમાં દાઝી ગયો હતો.