Rajkot અગ્નિકાંડ: SITના રિપોર્ટની રાહ જોયા વિના જવાબદારો સામે પગલાં લેવા HCનો રાજ્ય સરકારને નિર્દેશ
અમદાવાદ, 13 જૂન: રાજકોટ અગ્નિકાંડને લઈ આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી હતી. હાઇકોર્ટ સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી હાથધરવામાં આવી છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. હાઈકોર્ટે કહ્યું, રાજકોટ અગ્નિકાંડ ખૂબ દુઃખદ છે. જુદી જુદી મહાનગર પાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, GHAA પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
કોર્ટે 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો
કોર્ટે અધિકારીઓ સામે લાલ આંખ કરતા કહ્યું કે જે અધિકારીઓ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયા તેમની સામે શિસ્ત સંબંધી તપાસ થવી જોઈએ. ફેકટ શોધાવા જોઈએ, મોરબી, હરણી અને રાજકોટ ગેમ ઝોનમાં અધિકારીઓએ કરેલી ભૂલ ઉપર ચર્ચા થઈ છે. ત્યાર બાદ વધુમાં કોર્ટે 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને આપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, ‘જ્યારથી TRP ગેમ ઝોનનો પિલ્લર મુકાયો ત્યારથી ઘટના સુધીના સત્યની તપાસ થવી જોઈએ. કોર્ટ કોઈ ઓફિસરની એફિડેવિટ જોવા નથી માંગતી. એડવોકેટ જનરલને કોર્ટે જણાવ્યું 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપો. અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરી તપાસ કરે. દરેક ઉચ્ચ અધિકારીના તપાસમાં નામ હોવા જોઈએ.
કરેકટીવ નહીં પ્રિવેન્ટીવ પગલાં ભરો : કોર્ટ
સરકારે કહ્યું અમે 9 ઓફિસરને અરેસ્ટ કર્યા છે. જેને લઇને કોર્ટે કહ્યું હતું કે, તમે નાની માછલીઓ પકડી છે. ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયેલા મોટા અધિકારીઓને પકડ્યા! જો તમે એક રૂમને પણ નિયમો વિરૂદ્ધ બાંધવા મંજૂરી આપશો તો આરોપીઓ તો આખું બિલ્ડિંગ બનાવશે. TRP ગેમ ઝોન રાતોરાત ઉભું નહોતું કરાયું. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ કેવી રીતે કામ કરે છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે. ફક્ત કરેકટીવ નહીં પ્રિવેન્ટીવ પગલાં જરૂરી છે.
ઘટનાઓ બન્યા બાદ સરકાર પગલાં ભરે છે: કોર્ટ
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઘટનાઓ બન્યા બાદ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. હરણી અને મોરબી ઓથોરિટીની બિન અસરકારકતાનું ઉત્તમ ઉદાહરણ છે. હરણીમાં કોન્ટ્રાક્ટ સાઇન કરનાર ઓફિસર નાનું બાળક નહોતું. ઓફિસરોને કોઈનો ડર નથી.
અધિકારીઓમાં બિલકુલ ડર નથી: કોર્ટ
કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે અધિકારીઓ ડરતા નથી. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, જ્યાં સુધી વરિષ્ઠ અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી અન્ય અધિકારીઓ સમજી શકશે નહીં. અમે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ગણીએ છીએ કારણ કે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા છે.
આ પણ વાંચો: રાજકોટ TRP કાંડ મુદ્દે કોંગ્રેસે આપ્યું રાજકોટ બંધનું એલાન, 15 જૂને CP ઓફિસ પર ધરણા