ગુજરાત

રાજકોટઃ હાઈ-બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં જીવલેણ દુર્ઘટના, 3 શ્રમિકોના મોતની ચર્ચાથી ખળભળાટ

Text To Speech

રાજકોટ જિલ્લાના ગોંડલ- જેતપુર નેશનલ હાઇવે પર આવેલી હાઇ-બોન્ડ સિમેન્ટની ફેકટરીમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ જેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યાની ચર્ચા છે. અકસ્માત અંગે પોલીસને જણાવવામાં આવતા તાત્કાલિક રાજકોટ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી કરાયા બાદ તમામ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે આવેલી હાઈ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં આ અકસ્માત થયો છે. મૃતકોમાં આશિષ હમીર ભાઈ સોલંકી, રાહુલ જસાભાઈ પંપાણિયા, અમર શિવધારા ભાઈ વિશ્વકર્માના નામ સામેલ છે.

મૃતકોની લાશને પીએમ માટે ખસેડાઈ હતી

અકસ્માતનું સચોટ તારણ તપાસ બાદ સામે આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય યુવાનો વહેલી સવારે ચાર વાગ્યે કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા. તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટના ઘટીત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે કે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

કામદારોની સેફ્ટીને કોરાણે મુકાઈ ?
રાજ્યમાં વારંવાર ફેક્ટરીમાં આગ અને અકસ્માતની ઘટનાઓ બની રહી છે. મોટાભાગની ઘટનાઓમાં કામદારોની સુરક્ષાને કોરાણે મુકાઈ હોવાનુંં તારણ સામે આવ્યું છે. ત્યારે આ ઘટનામાં પણ શું આવી જ પરિસ્થીતીને કારણે શ્રમિકોના મોત થયા છે તે સવાલ છે. જો કે  હજુ સુધી કંપની તરફથી સમગ્ર ઘટના અંગે કોઇ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તેમજ પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

Back to top button