રાજકોટ : 5 ટ્રકમાંથી 70 લાખની કિંમતનો નશાની સીરપનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચે નાગરિક બેંક ચોક પાસે આવેલા માધવ કોમ્પલેક્સમાં દરોડો પાડી રૂ.73.27 લાખનો શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGને દરોડા દરમિયાન પાર્કિંગમાં 73275 બોટલ ભરેલા પાંચ ટ્રક રેઢા પડેલા મળ્યા હતા.
રૂ.73.27 લાખનો શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો
રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી દારૂની સાથે જ નશીલી સીરપનું સેવન કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસે હવે દારૂની સાથે જ આ પ્રકારે ખુલ્લેઆમ સીરપ વેંચતા ધંધાર્થીઓ સામે પણ લાલ આંખ કરી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે હુડકો વિસ્તારમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો પકડી પાડ્યો છે. હાલ આ સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ તેની ખરાઈ કરવા માટે નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
નશાકારક સીરપનું ગેરકાયદે વેચાણ કરતા ધંધાર્થીઓ પર તવાઈ
પ્રાપ્ત વિગતો મુજબ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા દારૂ અને જુગારની સાથે નશાકારક સીરપનું પણ ગેરકાયદે વેચાણ કરતા ધંધાર્થીઓમાં તવાઈ બોલાવવા સૂચના આપવામાં આવી હતી તેના અનુસંધાને શહેર ક્રાઇમબ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એ.એન.પરમાર સહિતની ટીમે બાતમીના આધારે હુડકો વિસ્તારમાં આવેલા નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર આવેલા માધવ કોમ્પલેક્સમાં દરોડો પાડ્યો હતો. જેમાં કોમ્પલેક્ષના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલા પાંચ જેટલા ટ્રકની તલાશી લેતાં તેમાંથી શંકાસ્પદ ગણાતી સીરપની 73275 બોટલો મળી આવી હતી.
આટલી કફ સિરપની બોટલો મળી આવી
પોલીસ દ્વારા તપાસ કરાતા ટ્રકમાંથી ગીતાંજલી દ્રાક્ષાસવ સ્પેશ્યલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73275 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂ. 73.27 જેટલી થાય છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ક્રાઈમ બ્રાન્ચે આ તમામ જથ્થોજપ્ત કરી તેમાં આલ્કોહોલની હાજરી છે કે કેમ તેની જાણકારી માટે નમૂના એફસએલમાં મોકલ્યા છે. જ્યારે બીજી બાજુ આ સીરપનો જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે, કોણ લાવ્યું છે, કોને આપવાનો હતો તે સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ, ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી શક્યતા , જાણો કોને મળી શકે છે આ જવાબદારી