કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

રાજકોટ જિલ્લા બેંક ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે, ખેડૂતો માટે અરજી પ્રક્રિયા શરૂઃ જાણો વિગતો

  • જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયાની મોટી જાહેરાત 
  • રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતોને મળશે લાભ
  • લોન માટે આજથી જ એક મહિનો કરી શકાશે અરજી,
  • વગર વ્યાજની લોનથી બેંકને રૂ.100 કરોડનો બોજ પડશે 

રાજકોટ, 30 ઓક્ટોબર : રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય ત્યારે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેકટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે અને તેમને આ માટે રૂ.1000 કરોડની વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે આજે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,  રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને રૂા.૧૦૦૦ કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે રૂા.૧૦૦ કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે તેવી જાહેરાત કરી હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટ અને મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોના તૈયાર પાકોને નુકશાન થયેલ છે તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડુતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખુબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ ખેડુતોની હરહંમેશ ચિંતા કરતાં રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યઓએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જિલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક સહકારી મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડુતોને પાક નુકશાની સામે ૦% એ રૂા.૫૦,૦૦૦/- સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડુતોની વહારે આવેલ છે.

ખેડુતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ રૂા.૧૦૦૦ કરોડ જેટલી થશે, જેના ઉપર થનાર રૂા. ૧૦૦ કરોડ જેટલું વ્યાજ બેંક વહન કરશે. જેથી ખેડુતોને રૂા. ૧૦૦ કરોડનો ફાયદો થશે. આમ ખેડુતોની હરહંમેશ ચિંતા કરનાર વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમ એ અસરગ્રસ્ત ખેડુતો માટે તાકીદની 0% વ્યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને અતિવૃષ્ટિ સામે ખુબ જ સહાયરૂપ બનેલ છે.

આ પણ વાંચો :- શા માટે 77 ટકા મહિલાઓ સાંજે 5 વાગ્યા પછી દિલ્હીની બસોમાં મુસાફરી કરતા ડરે છે? રિપોર્ટમાં ખુલાસો

Back to top button