

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મલોંઢા ગામના માનસિક યુવાનને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપાડતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યા તેમને આઇસીયુમાં દાખલ કરી સીટી સ્કેન રીપોર્ટ કરતા જઠર અને આંતરડામાં કાંણુ હોવાનું જણાતા તેમને ઓપરેશનમાં લઇ જવામાં આવ્યા હતા. ઓપરેશનમાં લઇ ગયા બાદ માનસિક યુવાન પેટના જઠરમાંથી ૬૨ લાકડાની સળી, ૨ મહેંદીના કોન અને ૧૫ પ્લાસ્ટીકની સ્ટ્રો નીકાળવામાં આવી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને તેમની ટીમના ૨ કલાકની મહેનત બાદ માનસિક યુવાનની સફળ સર્જરી કરી સ્વસ્થ્ય થતા રજા આપી દેવામાં આવી છે.
શું કહે છે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો ?
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.એસ. સર્જન ડો.મિનેષ સિંધલે જણાવ્યું હતું કે, તો૨૪/૭/૨૦૨૨ના રોજ વેરાવળ તાલુકાના મલોંઢા ગામેથી અરજણભાઇ ભીખાભાઇ ચાંડપા(ઉ.વ.૪૦)ને પેટમાં અસહ્ય દુઃખાવો હોવાથી સિવિલ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા. યુવાન માનસિક અસ્વસ્થ હોવાથી સારવાર કરવી કઠીન હતી. પરંતુ તેમને સાથે તેમની સાથેના સગાને સમજાવી યુવાનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં યુવાનના જઠર અને આંતરડામાં કાંણુ પડ્યુ હોવાથી માલુમ પડતા તેમને ઓપરેશન માટે જણાવ્યું હતું અને બાદમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને આરએમઓ જી.ટી.સોલંકીના માર્ગદર્શન મુજબ એક ટીમ તૈયાર કરી હતી. બાદમાં તા.૨૭/૭/૨૦૨૨ના ઓપરેશનનું નક્કી થયું હતું. ઓપરેશન કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે, યુવાનના પેટમાં ઘણા અખાદ્ય પદાર્થ છે. જેવા કે, કુલ્ફીની સળી, પ્લાસ્ટીકની સ્ટ્રો અને મહેંદીના કોન સહિતની વસ્તુઓ જોવા મળતા તેમને જઠરમાંથી નીકાળી ટાંકા લઇ જઠર બંધ કરી સફળ સર્જરી કરવામાં આવી હતી.
જે વસ્તુઓ હાથમાં આવે તેમને ચાવ્યા વગર જ ઉતારી જતો, આથી આ વસ્તુઓ પેટમાં ભેગી થઇ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨ કલાકની મહેનત બાદ સફળ સર્જરી થઇ હતી. બાદમાં સ્વસ્થ્ય થતા હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી હતી. સામાન્ય રીતે આવી વસ્તુ પેટમાં હોવાથી માણસને અસહ્ય દુઃખાવો થતો હોય છે. પરંતુ યુવાન માનસિક અસ્વસ્થ હોવાને કારણે કોઇને કહી ના શકતો હતો અને જે વસ્તુઓ હાથમાં આવે તેમને ચાવ્યા વગર જ ઉતારી જતો હતો. આથી આ વસ્તુઓ પેટમાં જઠરમાં ભેગી થઇ ગઇ હતી. જેના કારણે તેમને અસહ્ય દુઃખાવો થતો હશે. પરંતુ હોસ્પિટલમાં તબીબોની ટીમે પણ મહેનત કરી યુવાનને નવું જીવન આપ્યું છે.
કુલ્ફીની સળી, મહેંદીના કોન પેટમાં લાંબા સમયથી હતા : ડોક્ટર
માનસિક યુવાનના પેટમાં જે ૬૨ લાકડાની સળી, ૨ મહેંદીના કોન અને ૧૫ પ્લાસ્ટીકની સ્ટ્રો નીકાળવામાં આવી હતી. તે જોતા ડોક્ટરે જણાવ્યું હતું કે, આ ૨ થી ૩ વર્ષથી વધુના સમય સુધી પેટમાં હોવાથી કહી શકાય. કારણ કે, તે બધી વસ્તુ એકદમ કાંટ લાગી ગઇ હોય તેવી રીતે જામી ગઇ હતી.
ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી લાખો રૂપિયામાં થાય
પેટના જઠરમાંથી જે વસ્તુઓ કાઢીને ઓપરેશન કરવામાં આવ્યું છે. તે જોતા તો આ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવતા પરિવારે ડોક્ટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમના સગાને પેટના દુઃખાવાના ઇશારાની ખબર પડી ગઇ હતી
માનસિક યુવાન બોલી કે સાંભળી શક્તો ન હતો. આથી તેમને પેટમાં અસહ્ય દુઃખાવો છે તે કોઇને કંઇ ન શક્તો હતો. પરંતુ પરિવારના સગામાં એક ભાઇ તેમના ઇશારા સમજતા હોય આથી તેમને યુવાનના પેટમાં દુઃખાવો હોવાથી જાણ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.