કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ : આનંદ સ્વામી સામે ફરિયાદની અરજી, વકીલો લડશે મફત કેસ

Text To Speech

આણંદના વલ્લભ વિધાનગરના બાકરોલ ગામમાં આવેલ આત્મીય વિધાધામ ખાતે આનંદસાગર સ્વામી નામના સ્વામીનારાયણ સંપ્રદાયના સેવક દ્વારા પોતાના પ્રવચનમાં ભગવાન શિવ વિશે હિન્દુ ધર્મની લાગણી દુભાઇ તેવી ટીપ્પણી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હોય જેના પગલે હિન્દુઓની લાગણી દુભાઇ હોય જેથી ગુજરાત સહીત દેશભરમાં તેમના વિરૂદ્ધ ફીટકાર વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં બ્રહ્મસમાજના આગેવાનોએે અન્ય સમાજને સાથે રાખી બી ડીવીઝન પોલીસ મથકમાં આનંદસાગર સ્વામી સામે સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવી આનંદસાગર સ્વામી સામે ગુનો દાખલ કરી તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત વકીલો દ્વારા તેમનું પોસ્ટર સળગાવી તેમની સામેનો કેસ મફત લડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કે કરનીસેના પણ આકરા પાણીએ થઈ ગઈ હતી અને જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી.

પોલીસ મથકે અરજી કરવામાં આવી

આ અંગે મિલન શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભગવાન શિવ સનાતન હિન્દુ ધર્મના શિરમોર દેવતા છે તેમના વિરૂદ્ધ કોઇપણ વ્યક્તિ કે સમાજ કે ધર્મના લોકો દ્વારા ટીપ્પણી કરવામાં આવે તે યોગ્ય નથી. આનંદસાગર સ્વામીની ટીપ્પણીના કારણે હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે અને હિન્દુ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાની તેમના દ્વારા કોશિષ કરવામાં આવી છે. જેથી તાત્કાલિક અસરથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

બાર એસો. એ પણ સૂત્રોચ્ચાર કર્યા

આ ઉપરાંત રાજકોટ ખાતે વકીલો દ્વારા પણ આનંદસાગર સ્વામીની ટીપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓની સામે સુત્રોચ્ચાર પ્રદર્શન કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વકીલ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે બાર એસો. દ્વારા આનંદ સ્વામી સામેનો કેસ મફત લડી આપવામાં આવશે.

શું કહ્યું કરણી સેનાના અઘ્યક્ષ જે.પી.જાડેજાએ ?

વધુમાં રાજકોટ ખાતે કરણી સેનાના અઘ્યક્ષ દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો અને આનંદસાગર સ્વામી વિરૂદ્ધ રોષ પ્રગટ કરી તેમણે પણ કાર્યવાહીની માંગ કરી હતી. જો તેની સામે કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં તેમની વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ઉપરાંત આનંદસાગર સ્વામી જાહેરમાં મંચ પર આવી સનાતન હિન્દુ ધર્મની માફી માંગે તેવી પણ તેમણે માંગ કરી હતી.

Back to top button