રાજકોટ : લોકમેળામાં કાર સાથે એન્ટ્રી બાબતે GST અધિકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રેસકોર્સ રિંગરોડ ફરતા રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આજે મેયર બંગલા નજીક ખાનગી વાહનમાં જતા GST અધિકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને GST અધિકારીએ સમસન્સ પાઠવતા મામલો ગરમાયો હતો અને રોડ પર પડેલી અધિકારીની કાર ટ્રાફિક પોલીસે ટોઇંગ કરી દીધી હતી.
હેડ કોન્સ્ટેબલ અને GST અધિકારી વચ્ચે આઈકાર્ડ દેખાડવા બાબતે બોલાચાલી થઇ
મળતી માહિતી મુજબ લોકમેળાના કારણે રેસકોર્સ આસપાસ રહેતા તેમજ ઓફિસ અને દુકાન ધરાવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન આજ રોજ મેયર બંગલા નજીક GST અધિકારીની ખાનગી કાર રોકતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને અધિકારી પોતાની કાર ત્યાં મૂકી ચાલી ગયા હતા. ફરજ પરના હાજર હેડ કોન્સ્ટેબલ અને GST અધિકારી વચ્ચે આઈકાર્ડ દેખાડવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાદ GST અધિકારીએ ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલને સમન્સ આપવામાં આવતા આ સમસન્સ નો ઇન્કાર કરી રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો અને અધિકારીની કાર ટોઇંગ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રેસકોર્સ રિંગ રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધના કારણે ગઈકાલે રાત્રે રેસકોર્સ રિંગ રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ પણ એકઠા થયા હતા અને તેમને પણ પોલોસ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને વાહન અંદર લઇ જવા દેવા માંગ કરવામાં આવી હતી.