કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતહેલ્થ
રાજકોટ : સિવિલના ‘ગરીબ’ નર્સીગ સુપ્રીટેન્ડેન્ટે ‘આયુષ્યમાન કાર્ડ’ કઢાવી પત્નીનો મફત ઇલાજ કરાવ્યો !
રાજકોટ સીવીલ હોસ્પીટલમાં વાર્ષિક રૂા.18 લાખનો પગાર મેળવતા રાજ્ય સરકારના ક્લાસ-2 અધિકારી ગણાતા નર્સીગ સુપ્રીટેન્ડેન્ટે ગરીબોને મળવાપાત્ર આયુષ્યમાન કાર્ડ ગેરરીતિ આચરી કઢાવી લીધા બાદ પત્નીના ઓપરેશનમાં રૂપિયા નહીં ચુકવવા તેનો ઉપયોગ કરી મફત ઇલાજ કરાવ્યો હોય તેવો આક્ષેપ એક સામાજીક કાર્યકર્તાએ લગાવતા સુપ્રીટેન્ડેન્ટે તેનો ખુલ્લાસો આપતા પોતાને કોરોના વોરીયર્સ તરીકે આ કાર્ડ પ્રાપ્ત થયું છે. તેમાં કોઇ ગેરરીતિ આચરી નથી. ગરીબોને મળતા કાર્ડની કિંમત સમજાતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સામાજીક કાર્યકર્તાએ ઉચ્ચકક્ષાએ કરી રજુઆત, અધિકારી મેળવે છે વાર્ષિક 18 લાખનો પગાર
મળતી માહિતી મુજબ રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ક્લાસ-2ના અધિકારી નર્સીંગ સુપ્રીટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરીયા દ્વારા ગરીબોને મળવાપાત્ર આયુષ્યમાન કાર્ડ કઢાવી પોતાની પત્નીનો ઇલાજ મફતમાં કરાવ્યો હોવાનો આક્ષેપ સામાજીક કાર્યકર્તા કિશન રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે. કિશન રાઠોડે આ અંગે ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી હતી. જેમાં હિતેન્દ્ર ઝાંખરીયા રાજ્ય સરકારમાં વર્ગ-2ના અધિકારી હોય તેમજ તેઓ માસિક રૂા.1.50 લાખનો પગાર મેળવતા હોય તેની વાર્ષિક આવક રૂા.18 લાખ જેટલી થતી હોય તેમ છતાં પોતે ગરીબ હોય તે રીતે ગરીબોને મળતા હક્ક હિસ્સા છીનવવા માટે કેન્દ્ર સરકારના મફત સારવાર યોજનાનું આયુષ્યમાન કાર્ડ ગેરરીતિ આચરી કઢાવી લીધા બાદ તેમાં પત્નીનું વિનામુલ્યે ઓપરેશન કરાવ્યું હતું.
અધિકારીએ કર્યો ખુલ્લાસો, ઉચ્ચ હોદ્દા ઉપર છું કાર્ડની કિંમત ખબર છે
આ આક્ષેપો થતાની સાથે હિતેન્દ્ર ઝાંખરીયાએ ખુલ્લાસો આપતા જણાવ્યું હતું કે, પોતે રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદા ઉપર નોકરી કરે છે. તેને મફત સારવારની કઇ જરૂરીયાત નથી. સરકારે તેના અને તેમના પરિવારજનોને સારવાર માટેની સુવિધા પુરી પાડી છે. ગરીબોને મળતા કાર્ડની કિંમત તેને સમજાય છે અને ગેરરીતિ આચરવાનું કોઇ સવાલ ઉભો થતો નથી.
સરકારમાં કોરોના વોરીયર્સને સારવાર માટે આયુષ્યમાન કાર્ડ મળવાપાત્ર યોજના છે
વધુમાં આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, સરકારમાં કોરોના વોરીયર્સને સારવાર માટે આયુષ્યમાન કાર્ડ મળવાપાત્ર યોજના છે અને તે યોજના અંતર્ગત જ તેણે આ કાર્ડ કઢાવ્યું છે. કાર્ડ કઢાવવા માટે જરૂરી આધારકાર્ડ પણ આપ્યું હતું. જે આધારકાર્ડ બેંકમાં તેમના પાનકાર્ડ સાથે પણ લીંક છે. જો મારે ગેરરીતિ આચરવી હોય તો પાનકાર્ડ સાથે લીંક થયેલું આધારકાર્ડ શા માટે આપવું જોઇએ? ઉપરાંત મને આયુષ્યમાન કાર્ડ જે કંપની કે એજન્સી દ્વારા કાઢી આપવામાં આવ્યું છે હકીકતમાં જવાબદારી તેમની હોય છે કે, તેઓ મારા ડોક્યુમેન્ટ ચેક કરે.
સામાજીક કાર્યકર્તાએ અગાઉ પણ અધિકારીને હેરાન કર્યાનો આરોપ
વધુમાં હિતેન્દ્ર ઝાંખરીયાએ જણાવ્યું હતું કે, તે જ્યાં સુધી કિશન રાઠોડને ઓળખે છે ત્યાં સુધી તે અગાઉ એક એજન્સી મારફત સીવીલમાં ક્લાર્ક તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો થોડા સમય અગાઉ જ તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે તેનું શું કારણ હતું તેની ખબર નથી પરંતુ અગાઉ પણ કિશન રાઠોડે હિતેન્દ્ર ઝાંખરીયા સામે કેટલાક આક્ષેપો કરી તેને બદનામ કરવાની કોશિષ કરી હોવાનું પણ જણાવ્યું હતું ત્યારે આ મામલે નક્કર પુરાવાઓ શોધી લાવી લોકો સમક્ષ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.