રાજકોટ : B.com નું પેપર સૌ.યુનિ. અથવા ઓફસેટમાંથી જ ફૂટ્યાની શક્યતા


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ દિવસ પહેલા બનેલી પેપર ફૂટવાની ઘટનામાં હજુ સુધી પોલીસની ટીમને કોઈ કડી મળી નથી. પોલીસ તપાસ માટે હજુ પણ ફિંફા ખાંડી રહી છે. ત્યારે અગાઉ મળેલા કેટલાક પ્રાથમિક પુરાવાઓ પરથી પેપર યુનિવર્સિટીમાંથી જ અથવા જ્યાં છાપવામાં આવે છે તે ઓફસેટમાંથી ફૂટ્યું હોવું જોઈએ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પેપરના બંચ ખુલ્લા હતા પણ સીલ તૂટેલા ન હતા
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તા.13મીના રોજ બી.કોમ સેમેસ્ટર 5 નું એક પેપર તા.12ની મોડીરાત્રે ફૂટી ગયું હતું. જેની જાણ થતાં આ પેપર રદ્દ કરવામાં આવ્યું હતું અને ઘટના અંગે ભક્તિનગર પોલીસનો સંપર્ક કરી તપાસ માટેની અપીલ કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસે હાથ ધરેલી તપાસમાં આ પેપર જે રીતે મોકલવામાં આવ્યા હતા તેના 90 બંચ પૈકી 22 ખુલ્લા જોવા મળ્યા હતા જ્યારે કે આ ખુલેલા બંચમાંથી કોઈ પેપરનું સીલ તૂટેલું ન હતું જોવા મળ્યું. જેના કારણે પેપર કોઈ કોલેજમાંથી લીક કરવામાં આવ્યું હોવાની શક્યતા નહીંવત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનામાં એફએસએલની ટીમ જોડાઈ હતી. જેઓ પ્રાથમિક તપાસના અંતે પેપર યુનિવર્સિટી અથવા ઓફસેટમાંથી લીક થયાના તારણ ઉપર આવી હતી. હવે તેમના દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : દિવાળીના એક દિવસ પહેલા ISROનું સૌથી ભારે રોકેટ થશે લોન્ચ