કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગનવરાત્રિ 2023

રાજકોટ : પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્ત્વની જાહેરાત

  • આગામી 21 જાન્યુઆરીએ અમરેલી ગામમાં ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન
  • પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાઇ પદયાત્રા
  • મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ કરીને નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો

રાજકોટમાં નવરાત્રીના પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રા પ્રસંગે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટના અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર અદ્યતન કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન આગામી તારીખ 21 જાન્યુઆરી 2024ના શુભ દિવસે કરવામાં આવશે. કાગવડમાં ખોડલધામ ટ્રસ્ટની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં રવિવારે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્ત્વની જાહેરાત કરતા શું જણાવ્યું ?

naresh patel-HDNEWS

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 21 જાન્યુઆરી એટલે કે ખોડલધામ મંદિરના પાટોત્સવની તારીખે ખોડલધામ મંદિર પરિસરમાં કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાશે અને અમરેલી ગામ પાસે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. સાથે જ આગામી 22 ઓક્ટોબર 2023ને આઠમા નોરતે પાટણ જિલ્લાના સંડેર ગામે નિર્માણ પામનાર ખોડલધામ સંકુલના ભૂમિપૂજનની પણ માહિતી નરેશ પટેલે આપી હતી.

પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી નીકળી પદયાત્રા 

naresh patel khodaldham-HDNEWS

નવરાત્રિના પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી ભાવિક ભક્તોની પદયાત્રા યોજાઇ હતી. પ્રથમ નોરતે યોજાયેલી આ પદયાત્રામાં જોડાવા કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. જ્યાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેશ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. સંબોધન બાદ નરેશ પટેલ દ્વારા રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતાં જ નરેશ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.

 

આ પણ જાણો :નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલાં નોરતે 2.5 લાખ ભક્તોએ દર્શન કર્યા

Back to top button