કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ : મારામારીના ગુનામાં રીમાન્ડ પૂર્ણ થતાં દેવાયત ખવડ સહિત ત્રણેય જેલભેગા કરાયા

Text To Speech

રાજકોટમાં પખવાડિયા પૂર્વે બનેલી મારામારીની ઘટનામાં સામેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખસોના આજે સોમવારે રીમાન્ડ પૂર્ણ થયા હતા. બપોરે 4 કલાકે તેઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમના વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે ત્રણેયને જેલ હવાલે કર્યા છે.

શું હતો સમગ્ર મામલો ?

મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

10 દિવસ બાદ દેવાયત પોલીસ સમક્ષ હાજર થયો

દરમિયાન બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શુક્રવારે બપોરે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની અવધી આજે પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ગુનામાં વપરાયેલી કાર, હથિયારો અને આરોપીઓના કપડા વગેરે પોલીસ કબ્જે કરી ચૂકી છે.

Back to top button