રાજકોટ : શ્રાવણ મહિનાના તમામ સોમવાર, જન્માષ્ટીએ નોનવેજ વેચવા પર પ્રતિબંધ
રાજકોટ મનપાએ શ્રાવણ મહિના તમામ સોમવાર અને જન્માષ્ટમીના દિવસે શહેરમાં નોનવેજ વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મનપાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, શ્રાવણ મહિનાના ચાર સોમવાર એટલે કે, 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ નોનવેજ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ 18 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીએ પણ નોનવેજ વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દિવસોમા શહેરમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ GPMC એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બે પેઢીમાંથી લેવાયેલા ખાદ્ય ચીજ વસ્તુના નમૂના ફેઈલ : રૂ.1.20 લાખનો દંડ
આ અગાઉ ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ બે સ્થળેથી લેવાયેલા નમુના સબ સ્ટાર્ન્ડડ થયા બાદ આ અંગેનો કેસ ચાલી જતા બન્ને વેપારી પેઢીને કુલ રૂ. એક લાખ 20 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. 5, કેન્કો હાઉસમાં આવેલી કિશોર એન્ડ કંપનીમાંથી લીધેલો MICROLITE PREMIUM FAT SPREAD (500 GM PACKED)નો નમુનો લેબોરેટરી રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જે અંગેના કેસમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રશ્મીકાંત કિશોરકાંત ગોડાને રૂ.10,000, ઉપાદક પેઢીના નોમિની -મહેન્દ્રભાઇ છોટાભાઈ પટેલને રૂ.50,000 અને, ઉત્પાદક પેઢી GAGAR FOODS PVT. LTDને રૂ.50,000નોદંડનો હુકમ કરવામાં આવ્યો છે.
શ્રીજી ડેરી ફાર્મ દૂધમાંથી વેજીટેબલ ફેટ મળી આવતા પાંચ હજારનો દંડ
આવી જ રીતે ફૂડ વિભાગ દ્વારા ક્રિષ્ના કોમ્પ્લેક્સ, શોપ નં.-4, માધવ પાર્ક -2, ગોવર્ધન ચોક, 150 ફૂટ રીંગ રોડમાં આવેલા શ્રીજી ડેરી ફાર્મમાંથી લીધેલા ભેસના દૂધ (લુઝ)નો નમુનાના લેબોરેટરી રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જે અંગેના કેસમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક દીપેશકુમાર શાંતિલાલ મેઘપરાને પાંચ હજારનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
નવ પેઢીને ફૂડ લાયસન્સની નોટિસ અપાઇ
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા નહેરૂગર 80 ફૂટ રોડ વિસ્તારમાં 17 પેઢીની ચકાસણી કરી 9 પેઢીમાં વેંચાણ થતાં દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વગેરેના નમૂનાની સ્થળ પર ચકાસણી કરી નવ પેઢીને ફૂડ લાયસન્સની નોટિસ અપાઇ હતી. જેમાં જય મંદિર કોલ્ડ્રિંક્સે જય કોલ્ડ્રિંક્સ, ખોડિયાર કોલ્ડ્રિંક્સ એન્ડ આઇસક્રીમ, જ.જ. દાળપકવાન, સદગુરુ કોલ્ડ્રિંક્સ, ભવાની ફરસાણ, શિવ ફરસાણ, બાપા સીતારામ ટી સ્ટોલ, ખોડિયાર પાન સેન્ટરને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.