કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022
રાજકોટ : AAPએ મનપા, શિક્ષણ અને સુચિતના ભૂમાફિયાઓનો ભરી સભામાં નકાબ ચિર્યો


રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી જનરલ બોર્ડની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના સભ્ય વશરામભાઇ સાગઠિયાએ શાળા કોલેજો વિશે કરેલા પ્રશ્ર્નએ તંત્રની ફરી એકવાર મુંઝવણ વધારી દીધી હતી. સાગઠિયાએ આજની સભામાં મહાનગરપાલિકા, શિક્ષણ અને સુચિત સોસાયટીના ભૂમાફિયાઓનો નકાબ ચિર્યો હતો. આપના કોર્પોરેટરોએ આબરૂં બચાવવા પ્રશ્ર્નોત્તરી દરમિયાન અવાર નવાર હોહા દેકારો કરીને સાગઠિયાને ઉશ્કેરવા પ્રયત્નો ર્ક્યા હતા. પણ, સાગઠિયાએ જરાપણ ઉશ્કેરાટ વગર પીઢ રાજકારણીને છાજે તે રીતે પ્રશ્ર્નોત્તરી ચાલું રાખતાં શાસક પક્ષના કોર્પોરેટરો પણ અંતે ચુપ થઇ ગયા હતા.
પ્રશ્નોત્તરી કરતા સાગઠિયાને અટકાવવા ચેરમેને કર્યો પ્રયાસ પણ, રહ્યા નિષ્ફળ
બોર્ડ શરૂ થયું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે વશરામભાઇએ કરેલા પ્રશ્ર્નની ગત બોર્ડમાં ચર્ચા થઇ ગયાનું જણાવીને બીજા પ્રશ્ર્નની ચર્ચા કરવા સુચન ર્ક્યું હતું ત્યારે સાગઠિયાએ તેમના પ્રશ્ર્નનો અભ્યાસ ર્ક્યા વગર જ ચેરમેન બોલી રહ્યાનું અને તેમનો પ્રશ્ર્ન અલગ જ હોવાનું કહીને ચર્ચા ચાલું રાખી હતી.
સાગઠિયાએ મહાનગરપાલિકાની હદમાં આવતી શાળા-કોલેજોની વિગતો માંગી શાસકને ચૂપ કરી દીધા
વશરામભાઇ સાગઠિયાએ મહાનગરપાલિકાની હદમાં સુચિત સોસાયટીઓમાં અને સરકારી ખરાબામાં આવેલી ખાનગી શાળા કોલેજો કેટલાં સમયથી ચાલે છે.? આ શાળા કોલેજોને કઇ સાલમાં મંજૂરી મળી છે.? અને કેટલાં ધોરણ સુધી અભ્યાસ કરાવાય છે? તે તમામ શાળા કોલેજોના ટેક્સ વસુલ થાય છે કે કેમ ? અને કેટલાં વર્ષથી ટેક્સ વસુલ થાય છે ? આવી શાળા કોલેજોમાં પાર્કિંગની સુવિધા છે કે કેમ? તેની વિગતો સાથે આવી શિક્ષણ સંસ્થાઓના નામ સરનામા પણ માંગ્યા હતાં. વશરામભાઇ સાગઠિયાએ મહાનગરપાલિકા સંચાલિત કેટલી શાળા કોલેજો ચાલું છે ? કોર્પોરેશન સંચાલિત શાળાઓ ખાનગી જગ્યામાં છે કે સુચિતમાં છે ? તેની મંજૂરી લેવામાં આવી છે કે કેમ? તેવી વિગતો માંગી હતી. સાથોસાથ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પટ્ટાવાળાથી પ્રિન્સીપાલ સુધીની કેટલી જગ્યા ખાલી છે. જે જગ્યાઓ ખાલી છે ત્યાં ભરતી કેટલાં સમયમાં થશે? શિક્ષણ સમિતિના બજેટમાં નવી સ્કૂલો બનાવવાનું આયોજન છે ? તેની વિગતો પણ માંગી હતી.
સાગઠિયાના પ્રશ્ર્નનો જવાબ કમિશનર અમીત અરોરાએ આપ્યા
વશરામભાઇ સાગઠિયાના આ પ્રશ્ર્નનો જવાબ આપતા કમિશનર અમીત અરોરાએ કહ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં 454 શાળાઓ, 35 કોલેજો સહિત 489 શાળા કોલેજો આવેલી છે. આમાંથી 25 શાળાઓ અને એક કોલેજ સહિત 26 શિક્ષણ સંસ્થાઓ ઇમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલાઇઝ કરવામા આવી છે. જ્યારે સુચિત સોસાયટીઓમાં ઇમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલાઇઝ કરવામાં આવી ન હોય તેવી 51 શાળાઓ છે. સુચિત વિસ્તારમાં 77 શાળાઓ અને એક કોલેજ આવેલી છે. આવી જ રીતે મહાનગરપાલિકા અને રૂડા દ્વારા 202 શાળાઓ, 21 કોલેજો સહિત 223 સંસ્થાઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે, મનપા અને રૂડા વિસ્તારમાં ઇમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલાઇઝ કરવામાં આવી છે. આ તમામ શાળા કોલેજોમાંથી 155 શાળાઓ અને 26 કોલેજો સહિત 181માં પાર્કિંગની વ્યવસ્થા છે.
26 શાળાઓ અને એક કોલેજ ઇમ્પેક્ટ હેઠળ રેગ્યુલાઇઝ કરવામાં આવી
કમિશનર અમીત અરોરાએ શહેરના 18 વોર્ડમાંથી આઠ વોર્ડની સુચિત સોસાયટીઓમાં 26 શાળાઓ અને એક કોલેજ ઇમ્પેક્ટ હેઠળ રેગ્યુલાઇઝ કરવામાં આવી હોવાની વિગતો આપી હતી. જેમા વોર્ડ નં. 17માં 3, વોર્ડ નં. 9માં 1, વોર્ડ નં. 10માં 1, વોર્ડ નં. 11માં 4, વોર્ડ નં. 4માં 3, વોર્ડ નં. 5માં 7, વોર્ડ નં. 16માં 3 અને વોર્ડ નં. 18માં ચાર શાળાઓ અને વોર્ડ નં. 11માં એક કોલેજનો સમાવેશ થાય છે.
દંડકે પણ બોર્ડમાં વધારાનો સમય માંગ્યો..
વશરામ સાગઠિયાએ ભાજપ સ્ટાઇલમાં એક જ પ્રશ્ર્નમાં એક કલાક પુરી કરી નાખતાં શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ બીજા પ્રશ્ર્નો માટે વધારે સમય બોર્ડ ચલાવવાની માગણી કરી હતી. જો કે આ માંગણી સ્વીકારાઇ નહોતી. ઉલ્લેખનીય છે કે ભાજપના કોર્પોરેટરો પણ સામાન્ય પ્રશ્ર્નોમાં એક કલાકનો બોર્ડનો સમય વેડફી નાખે છે..આજે સાગઠિયા તેમને ભારે પડ્યા હતા!
હું બોર્ડમાં ખોટો પડું તો અત્યારે જ રાજીનામું આપી દઇશ: સાગઠિયા
આમ આદમી પાર્ટીના વશરામ સાગઠિયા શાળા-કોલેજ વિશે પ્રશ્ર્નોત્તરી કરી રહ્યા હતા ત્યારે ભાજપના કોર્પોરેટરોએ આ પ્રશ્ર્ન ગત બોર્ડમાં પુછાઇ ગયાનો દેકારો કરીને નવા પ્રશ્નની ચર્ચા કરવાની માગણી કરતાં વશરામ સાગઠિયાએ એમ કહ્યું હતું કે, જો મારો પ્રશ્ર્ન કે હું અધ્યક્ષશ્રીને જે વિગતો જાહેર કરૂં તેમાં ખોટો પડું તો બોર્ડમાં જ રાજીનામું આપી દઇશ.
તમે દેડકાંની જેમ ફૂદક ફૂદક કરો છો: જયમીન ઠાકરે સાગઠિયાને ઉશ્કેરવા પ્રયત્ન ર્ક્યો
આજે વશરામ સાગઠિયાએ ભાજપના કોર્પોરેટરોની ચાલ અજમાવી હોય તેમ એક જ પ્રશ્ર્નમાં એક કલાક લીધી હતી. તેઓએ જરાપણ ઉશ્કેરાયા વગર જ પ્રશ્ર્નોતરી ચાલુ રાખી હતી. જ્યારે તેઓએ રાજીનામું આપવાની વાત કરી ત્યારે કોર્પોરેટર જયમીન ઠાકરે આમ પણ તમારે પાંચમી તારીખે રાજીનામું આપવાનું છે. તમે દેડકાની જેમ ફૂદક ફૂદક કરો છો. તેમ કહીને સાગઠિયાને ઉશ્કેરવા પ્રયત્ન ર્ક્યો હતો. જ્યારે શાસક પક્ષના નેતા વીનુભાઇ ઘવાએ પણ આ વશરામભાઇનું છેલ્લું બોર્ડ હોવાનો ટોણો માર્યો હતો.
ભાજપના સભ્યએ બીન સંસદિય ભાષાનો પ્રયોગ ર્ક્યો..
એક તબક્કે ભાજપના કોર્પોરેટરોએ બીન સંસદિય ભાષાનો પ્રયોગ ર્ક્યો હતોેે. શબ્દોના અર્થનું જ્ઞાન નહી ધરાવતાં આ કોર્પોરેટરે બીન સંસદિય ભાષાનો પ્રયોગ ર્ક્યા છતાં પીએચ.ડી. થયેલા મેયર ડો. પ્રદિપભાઇ ડવે તેઓને અધ્યક્ષપદેથી ટપારવાનો પણ પ્રયાસ ર્ક્યો નહોતો.
આજે આ બોર્ડ બકાલા માર્કેટ લાગ્યું નહીં : ભાજપના કોર્પોરેટરનો જ અભિપ્રાય
બોર્ડની કાર્યવાહી પુરી થયા બાદ ભાજપના જ એક કોર્પોરેટરે એવો અભિપ્રાય આપ્યો હતો કે લાંબા સમય પછી આજે બોર્ડ શાંતિથી ચાલ્યું છે. અને પ્રશ્ર્નોતરી થઇ છે. બાકી તો સામાન્ય રીતે બોર્ડ બકાલા માર્કેટ જેવું જ લાગતું હોય છે.