રાજકોટ : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકનું રનીંગ બાદ હાર્ટ એટેકથી મોત
રાજકોટ, 21 મે : રાજકોટ કાળઝાળ ગરમીમાં શેકાયું છે. આગ ઓકતી ગરમીથી લોકો વ્યાકુળ બન્યા છે અને ગરમીના કારણે હાર્ટએટેકના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસમાં જોડાવા માટે તૈયારી કરતાં અને જોમ જુસ્સાથી રનીંગ કરતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. ગઈ રાતે પોલીસની ભરતીનો તૈયારી કરતો 26 વર્ષીય યુવાન રનીંગ કરી ઘરે પહોંચ્યો હતો અને ત્યારે જ છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતાં ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારે આશાસ્પદ યુવાન ગુમાવતાં આક્રંદ છવાયો હતો.
સારવારમાં ખસેડાયો પણ જીવ ન બચ્યો
મળતી માહિતી મુજબ, મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૩માં રહેતો વિશાલભાઇ અશોકભાઇ કોબીયા (ઉ.વ.૨૬) રાતે રનીંગ કરીને ઘરે આવ્યા બાદ એકાએક બેશુધ્ધ થઇ જતાં તેને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
એક વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન
મૃત્યુ પામનાર વિશાલભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. ધર્મપત્નિનું નામ વૈશાલીબેન છે. વિશાલભાઇ પોલીસ ભરતી માટે તૈયારી કરતો હતો. નિયમીત રીતે તે રનીંગ સહિતની પ્રેકટીસ કરવા જતો હતો. ગત રાતે પણ તે રનીંગ કરીને ઘરે આવ્યો હતો. થોડીવાર બાદ તે બેશુધ્ધ થઇ ગયો હતો અને સારવાર દરમિયાન પ્રાણ નીકળી ગયા હતાં. આશાસ્પદ અને યુવાન દિકરાના મૃત્યુથી કોબીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.