રાજકોટમાં એક બહેને રક્ષાબંધન પર ભાઈને આપ્યું જીવનદાન, બહેને ભાઈને આપી કિડની
- ભાઈની બંને કિડની ફેઈલ થઈ જતાં મદદ માટે આગળ આવી બહેન
- બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી
સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં તેને ભેટ આપે છે. અને જીવનભરની સુરક્ષાનું વચન આપે છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધન પહેલા એક બહેને કિડનીની બિમારીથી પીડાતા ભાઈને કિડની ડોનેટ કરીને નવું જીવન આપ્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે, આ માટે બહેનના સાસરીયાઓએ પણ પૂરતો સહયોગ આપ્યો. જેના કારણે યુવકને નવું જીવન મળી શક્યું.
પ્રાપ્ત વિગતો અનુસાર,રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે એેક બહેને ભાઈને કિડની આપીને સાચા અર્થમાં ભાઈની લાંબા આયુષ્યની મનોકામના કરી છે. રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની ફેઈલ થઈ જતાં બહેન મદદ માટે આગળ આવી હતી અને કંઈ પણ વિચાર્યા વગર તેણે પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધું અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેનો ભાઈ એકદમ સ્વસ્થ છે અને વસાવાડ ખાતે ખેતી કરીને પગભર બન્યો છે.
કોરોના બાદ યુવકની બંને કિડની ફેલ થઈ ગઈ
રાજકોટમાં વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બ્લડ પ્રેશર વધીને 290 થઈ જતા તેઓ ડોક્ટરને બતાવવા પહોંચ્યા હતા. જ્યાં તેમની બંને કિડની 70 ટકા ફેલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ બાદ દવા લેતો થોડું સારું થયું જોકે કોરોના થતા ભરતભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. એવામાં તેમને બી.ટી સવાણી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ડાયાલિસીસ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે 6 મહિનાથી તેમને ડાયાલિસીસ કરાવવી રહ્યા હતા.
ભાઈની સ્થિતિ જોઈને દયાબેન મદદે આવ્યા
એવામાં ભરતભાઈની આવી સ્થિતિ અંગે બહેન દયાબેન વાગડિયાને જાણ થઈ. આથી તેમણે પોતાના ભાઈને પહેલાની જેમ સાજા કરવાનું મન બનાવી લીધું અને તેનું જીવન બચાવવા આગળ આવીને ભાઈને કિડની ડોનેટ કરવાની ઈચ્છા દર્શાવી. આ માટે દયાબેનના પતિએ પણ તેમને સપોર્ટ આપ્યો. જે બાદ ત્યારે બહેનની કિડનીનું ભરતભાઈમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. હાલમાં ભરતભાઈ અને દયાબેન બંનેની સ્થિતિ સ્વસ્થ છે.
આ પણ વાંચો : PM મોદીએ દિલ્હીમાં શાળાની છોકરીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો