ગુજરાત
રાજકોટ : રાજસ્થાનના વેપારીએ સસ્તું સોનુ લેવાની લાલચે રૂ.20 લાખ ગુમાવ્યા
રાજસ્થાનના એક સોની વેપારીને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી કચ્છની ઠગ ટોળકીએ રૂ.20 લાખનો ધુંબો મારી દેતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વેપારીને કોલેજના મિત્ર થકી ભેજબાજો સાથે ભેટો થયો
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જોધપુરના વતની જનકભાઇ વિજયકિશન સોનીએ માંડવીના હસમુખ, જયેશભાઇ, ધર્મેન્દ્ર અને રાજુ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતે જોધપુરમાં જવેલર્સ ધરાવે છે. થોડા સમય અગાઉ તેના કોલેજના મિત્રએ તેને એક મિત્ર સસ્તું સોનુ લાવી ઓછા ભાવે વેચતો હોવાનું જણાવતા તેની સાથે સંપર્ક કરાવ્યો હતો.
સોનાનો સોદો કરવા રાજકોટમાં એકઠાં થયા
દરમ્યાન હસમુખભાઈએ જનકભાઈને સોનુ લેવા અને તેનો સોદો કરવા માટે રાજકોટમાં બોલાવ્યા હતા. જેથી તેઓ ટ્રેન મારફત રાજકોટ આવતા જ હસમુખભાઈ તેને પોતાની કારમાં બેસાડી ગોંડલ રોડ ઉપર આવેલી હોટેલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓની સાથે સોદો નક્કી કરવામાં આવ્યો હતો.
વેપારીએ રૂ.20 લાખની રોકડ એડવાન્સઆપી, સોનુ અમદાવાદ આપવાની વાત કરી લઈ ગયા
દરમ્યાન જનકભાઈને હસમુખભાઈ અને તેની ટોળકીએ એડવાન્સ આપવાનું કહેતા રૂ.20 લાખની રોકડ આપી હતી. જે બાદ તેઓને સોનાની ડિલેવરી અમદાવાદમાં આપવામાં આવશે તેમ કહી ત્યાં જવા તેઓને પોતાની કારમાં બેસાડ્યા હતા.
પ્રથમ ચોટીલા ગયા, ત્યાંથી અમદાવાદ ગીતામંદિર પાસે રોકાયા
જનકભાઈને ઠગ ટોળકી અમદાવાદ લઈ જતા પહેલા ચોટીલા લઈ ગયા હતા જ્યાં તેઓને અન્ય એક કારમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યાંથી તમામ અમદાવાદ પહોંચ્યા જ્યાં ગીતામંદિર ખાતે રોકાયા હતા.
એક બાદ એક ચારેય શખ્સો નજર ચુકવી નીકળી ગયા
ગીતામંદિર પાસે માણસ સોનુ લઈને આવવાનો છે તેવું કહી એક હોટેલ પાસે ઉભા રહી જનકભાઈને સાથે તમામ લોકો ચા પીવા ઉભા હતા. દરમ્યાન એક બાદ એક તમામ લોકો ત્યાંથી જનકભાઈની નજર ચુકવી ભાગી ગયા હતા. થોડીવાર રાહ જોયા બાદ કોઈ વેપારી કે તેમની કાર જોવા ન મળતા જનકભાઈને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા રાજકોટ આવી ફરિયાદ નોંધાવી હતી.