રાજકોટ : થેલિસિમિયા પીડિતાના મોત મામલે તપાસ માટે રચાઈ કમીટી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલિસિમિયાગ્રસ્ત યુવતીને ફિલ્ટર કર્યા વગરનું લોહી ચડાવ્યા બાદ તેનું મોત નિપજતા હોબાળો મચી ગયો છે. પરિવારજનોએ મોત મામલે તંત્ર ઉપર બેદરકારીનો આરોપ લગાવતા હવે તપાસ કમિટિની રચના કરવામાં આવી છે.
LR બ્લડના બદલે RCC બ્લડ ચડાવવામાં આવ્યું’તું
મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી વિધી જીતેન્દ્રભાઇ પીઠવા (ઉ.વ.24)ને જન્મથી જ થેલિસિમિયા હોઇ નિયમીત રીતે સિવિલ હોસ્પિટલમાં લોહી ચડાવવામાં આવતું હતું. દરમિયાન છેલ્લે ગત બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે લોહી અપાયું હતું. પરિવારજનોના કહેવા મુજબ એ પછી શનિવારે વિધીની તબીયત બગડી ગઇ હતી. તેને શરીરમાં સોજા ચડી ગયા હતાં અને ચામડી પર ચાઠા આવી ગયા હતાં. કદાચ રિએક્શન આવ્યું હોવાની શંકાએ અમે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સોમવારે તેણીનું મૃત્યુ થયુ હતું. એ પછી તબિબે દાખલો લખી આપતાં અંતિમવિધી કરી હતી.
શું કહ્યું તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ ?
મૃત્યુ પામનાર વિધી બે બહેનમાં મોટી હતી. તેના પિતા છુટક મજુરી કરે છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લોહી ચડાવવામાં આવ્યા બાદ વિધીની તબીયત બગડી હોઇ બેદરકારી દાખવવામાં આવ્યાની અમને શંકા છે. આ મામલે જરૂરી તપાસ થાય અને કોઇ જવાબદાર નીકળે તો તેની સામે પગલા લેવા અમારી લાગણી છે. દરમિયાન આ મામલે તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે ખરેખર મૃત્યુનું કારણ શું હતું? દર્દીને થેલિસિમિયા સિવાય બીજા કોઇ બીમારીના લક્ષણ હતાં કે કેમ? તે સહિતની તપાસ કરવા કેસપેપર તપાસવામાં આવશે અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે. એક તબિબ સહિત પાંચ સભ્યોની તપાસ કમીટીની રચના કરી છે. જેને ઝડપથી તપાસ પુરી કરી રિપોર્ટ આપવા જણાવાયું છે.