રાજકોટ : હાડ થીજવતી ઠંડી વચ્ચે ધો.8ની છાત્રાનું બેભાન થઈ જતા મોત, મૃત્યુનું કારણ જાણવા વિસેરા લેવાયા
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. આ કારણે જનજીવન પર અસર પડી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે રાજકોટમાં આજે મંગળવારે એક ઘટનામાં ચાલુ વર્ગમાં ધોરણ 8માં અભ્યાસ કરતી છાત્રા બેભાન થઇ જતાં મોત નિપજતાં સમગ્ર શાળા પરિવારમાં અને મૃતક છાત્રાના સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાની શક્યતા સાથે પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જો કે કારણ સ્પષ્ટ ન થતાં વિસેરા લઇ લેબોરેટરીમાં મોકલાયા હતાં.
ગોંડલ રોડ પર આવેલી એ. વી.જસાણી સ્કૂલનો બનાવ
જાણવા મળ્યા મુજબ ઢેબર રોડ પર ગોપાલનગર-૪માં રહેતી રીયા કિરણકુમાર સાગર (ઉ.વ.17) આજે સવારે નિત્યક્રમ મુજબ ગોંડલ રોડ પર આવેલી એ. વી.જસાણી સ્કૂલમાં અભ્યાસ માટે ગઇ હતી. તે આ શાળામાં ધોરણ-8માં ભણતી હતી. સવારે શાળાએ પહોંચી પ્રાર્થનામાં જોડાયા બાદ વર્ગમાં પહોંચી હતી. જ્યાં એકાએક તે બેભાન થઇ ઢળી પડતાં તુરત જ શિક્ષકે આચાર્ય-પ્રિન્સીપાલ સહિતને જાણ કરી હતી. રીયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ રીયાને ઇમર્જન્સી વોર્ડના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.
દિકરીના ઓચીંતા મૃત્યુથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા
હોસ્પિટલ ચોકીના પરષોત્તમભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ કે. યુ. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રીયા બે બહેનમાં મોટી હતી. તેના પિતા ઘરે બેઠા સોની કામ કરે છે. દિકરીના ઓચીંતા મૃત્યુથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં તો શાળામાં પણ ગમગીની છવાઇ ગઇ હતી. વર્ગમાં ખેંચ આવ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. પોસ્ટ મોર્ટમ થયા બાદ ચોક્કસ કારણ સામે ન આવતાં કારણ જાણવા વિસેરા લઇ પૃથક્કરણ માટે મોકલાયા છે.