રાજકોટ : ખીરસરા ખાતે ઓનલાઈન ડ્રોના માધ્યમથી 161 ઔદ્યોગિક પ્લોટની કરવામાં આવી ફાળવણી
લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર સાથે ભૂપેન્દ્ર પટેલ સરકાર આગળ વધી રહી છે ત્યારે રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161 ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી રાજ્ય ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરી હતી.
આ કાર્યક્રમમાં રાજપૂતે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 8 ડ્રો મારફતે 1,778 ઉદ્યોગોને ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી કરી પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો : GST Collection : માત્ર ડિસેમ્બર મહિનામાં જ સરકારને GST માં થઈ અધધ 1.4 લાખ કરોડની આવક
મંત્રીએ કહ્યું કે, ખીરસરા ઔદ્યોગિક વસાહત ખાતે ડ્રોમાં સમાવિષ્ટ MSME પ્રકારના કુલ 161 પ્લૉટ માટે 558 ઓનલાઇન અરજીઓ સરકારને મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર 21દિવસમાં ખીરસરા ખાતેના ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2022-23 માટે આ પ્લૉટનો ફાળવણી દર રૂ. 4160 પ્રતિ ચો.મી. રાખવામાં આવ્યો હતો.
રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કોવિડના કપરા કાળમાં દેશના નાના-મધ્યમ ઉદ્યોગોને રાહત આપતું 20 લાખ કરોડથી વધુનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. તેમજ આવા ઉદ્યોગો માટે ઇન્કમ ટેક્સના દર ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આવા પ્રોત્સાહક અભિગમથી રાજ્યના ઉદ્યોગ સાહસિકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.
ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ 2023માં નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થાય તેવી રીતે કામગીરી કરાશે. રાજ્ય સરકારે હરહંમેશ વેપારી એસોસિયેશનની માંગણીઓ અને ફરિયાદો પ્રત્યે ધ્યાન આપ્યું છે. આ માટે ચાર ઝોન મુજબ જિલ્લાવાર ઉદ્યોગ સાહસિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તેવી સિસ્ટમ વિકાસાવવામાં આવશે. વધુમાં, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારને શ્રમ અને રોજગાર વિભાગનો સહકાર પણ પ્રાપ્ત થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પ્રદેશની ખીરસરા વસાહતની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી., જેનો કુલ વિસ્તાર 92-63-06 હે.આર.એ. ચો.મી. છે. તેમાં કુલ-506 ઔદ્યોગિક પ્લોટોનું આયોજન કરાયું છે, જે પૈકી 473 MSME પ્લોટ અને 33 Non-MSME પ્લોટ છે. આ વસાહતમાં પ્રથમ વખત જાન્યુઆરી-2020માં મુખ્યમંત્રીના વરદ્ હસ્તે ડ્રો કરી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી.