ટોપ ન્યૂઝનેશનલ

રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, સુમન બેરી તેમનું સ્થાન લેશે

Text To Speech

નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે સુમન બેરીની નિમણૂંક કરવામાં આવી છે. રાજીવ કુમારને વર્ષ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન છે.

કોણ છે સુમન બેરી?
ભારતીય અર્થશાસ્ત્રી સુમન બેરી વિશ્વ બેંકના ચીફ હતા. સુમન બેરીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને પ્રિન્સટન  યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. સુમન બેરી હાલમાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં એક આર્થિક થિંક-ટેંકના બિન-નિવાસી ફેલો તરીકે કામ કરી રહ્યાં છે. સુમન બેરીએ લગભગ 28 વર્ષ સુધી વર્લ્ડ બેંકમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ નાણાંકીય નીતિના આંકડાકીય આયોગ અને RBI દ્વારા રચાયેલી ટેકનિકલ સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.

2014માં નામ બદલીને ‘નીતિ આયોગ’ કર્યું
અરવિંદ પનાગરિયાને સરકાર દ્વારા નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નીતિ આયોગ પહેલાં પ્લાનિંગ કમિશન હતું પરંતુ વર્ષ 2014માં એનડીએ સરકારની રચના બાદ તેનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું. અરવિંદ પનાગરિયા પછી રાજીવ કુમારને નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ પહેલાં રાજીવ કુમાર FICCIના મહાસચિવ હતા. રાજીવ કુમારે 1992થી 1995 સુધી નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે પણ સેવા આપી છે. આ સિવાય તેઓ એશિયન ડેવલપમેન્ટ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

Back to top button