સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિત્રોના વિવાદ પર રાજભા ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું-બિઝનેસ જ કરવો હોય તો..
- સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિત્રોના વિવાદ પર રાજભા ગઢવીનું નિવેદન
- કહ્યું- બિઝનેસ કરવો જ હોય તો હિરાનો કરો, બિલ્ડર છે ભગવાનને શું કામ આગળ કરો છો
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંત ચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આ વિવાદ પર હવે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ મેદાનમાં આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
વિવાદ કરશું એટલે ભીંત ચિત્રો કાઢી નાખશે
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મિત્રો ભીંત ચિત્રો કદાચ આપણે કઢાવી નાખીશું. વિવાદ કરશું એટલે ભીંત ચિત્રો કાઢી નાખશે પણ એના ચીત્ત ચિત્રો હટાવવા પડશે. એમને આપણે અહીંથી એટલું જ કહેવાનું છે કે બિઝનેસ જ કરવો હોય હિરાનો કરો, બિલ્ડર છે, ડોક્ટર છે… ભગવાનને શું કામ આગળ કરો છો. સુરતમાં હિરાવાળા ઘણા લોકોએ દેશનું નામ આગળ કર્યું છે એવી જ રીતે બિઝનેસ કરો. એ બધા પદ્મશ્રી બન્યા છે. આપણી સામે પ્રત્યક્ષ રીતે કોઈ આવે ધર્મને ઠેસ પહોંચાડવા માટે તો આપણે સનાતનીઓ લડી લઈએ, પરંતુ ખબર ન પડે એમ કરે, આપણી સાથે રહેનારા આપણા ધર્મને નુકસાન કરે તે સામે વાળો નથી કરી શકતો.
સંતોમાં હોય તો બધા સંતોની ખબર હોવી જોઈએ
તેમણે આગળ કહ્યું, સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાનો પ્રયાસ કરે છે, સૂરજ સામે ધૂળ ઉડાડવાથી કંઈ ન થાય. આપણે સનાતન ધર્મના છીએ, બાળકોને મજબૂત બનાવીએ. ઘરથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે ઈષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગ દાસ બાપા, આપા ગીગા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.
રાજભા સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર
રાજભા સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કરતા કહે છે કે, ‘શાસ્ત્રોમાં પણ પુસ્તકોમાં પણ તેમણે એકેય દેવી-દેવતાને છોડ્યાં નથી. બીજા શાસ્ત્રોમાં પણ આવું છે. આપણે જાગવું પડશે. ચિત્તચિત્રો હટાવવા પડશે, ભીંતચિત્રો હટાવવાથી કંઈ વળશે નહીં. સંપ્રદાયને નામે વિંખાતા જઈએ છીએ. સનાતન મૂળને શું કામ ભૂલો છો?’
હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે ભીંચ ચિત્રો કોતરેલા છે. જેમાં હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરી રહ્યા છે. જ્યારે અન્ય ચિત્રમાં તેઓ સહજાનંદ સ્વામીના માતા-પિતાને પ્રણામ કરતા દર્શાવાયા છે. હનુમાનજીને આ રીતે સ્વામીના દાસ દર્શાવાતા લોકો તથા સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સાળંગપુર મંદિરને લઈ વધુ એક વિવાદ , હનુમાનજીની મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક જોઈ ભડક્યાં ભક્તો