કચ્છમાં રાજસ્થાની દંપતી હેરોઇન અને અફીણ વેચતા ઝડપાયા, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત
અંજાર, 8 જાન્યુઆરી 2024, કચ્છમાંથી રાજસ્થાની દંપતી ઘરમાં હેરોઈન અને અફિણ વેચતા હોવાનો પર્દાફાશ થયો છે.પૂર્વ કચ્છ SOG પોલીસે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતાં એક પતિ-પત્નીને 1.12 કરોડના માદક પદાર્થ હેરોઈન અને અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપીને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. તેમની પાસેથી ઝડપાયેલા માદક પદાર્થના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં છે. તેમજ આરોપીઓની અટકાયત કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
મકાનમાં રેડ કરતાં જ પોલીસ પણ ચોંકી ઉઠી
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસે બાતમીના આધારે અંજારમાં એક રહેણાંકમાં રેડ કરી તપાસ ક૨તાં જગદીશ બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના મકાનમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ હેરોઈન, પીળા ક્રીમ કલરનું હેરોઈન અને કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણનો રસ રાખી ગેરકાયદે વેચાણ પ્રવૃત્તિ કરતાં મળ્યાં હતાં. પોલીસે બંનેને 48.88 લાખની કિંમતનું 97.970 ગ્રામ બ્રાઉન કલરનું હેરોઈન અને 12.57 લાખની કિંમતનો 125.150 ગ્રામ પીળા-ક્રીમ કલરનું હેરોઈન અને 5,309ની કિંમતનો 53.09 ગ્રામ કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણનો રસ, ઉપરાંત 60,000ની કિંમતના 3 મોબાઈલ સહિત કુલ 1,12,20,809ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
સંજય બિશ્નોઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે તેમને અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપી સંજય બિશ્નોઈ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે ઝડપાયેલ માદક પદાર્થના જથ્થામાંથી સેમ્પલ વધુ તપાસણી અર્થે FSL ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે તથા આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ