65 વર્ષીય વૃદ્ધાને કામની લાલચ આપી જંગલમાં લઈ ગયો અને…, બીજા દિવસે કપાયેલા પગ સાથે બેભાન અવસ્થામાં મળ્યા

રાજસ્થાનઃ 10 ઓક્ટોબર, 2025: Rajasthan Crime: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાને મજૂરીની લાલચ આપીને જંગલમાં લઈ જઈને તેના બંને પગના પંજા કાપી દોઢ કિલો ચાંદીના કડાંની લૂંટી લીધા. આ જઘન્ય કૃત્યને કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જયપુર રિફર કરવામાં આવી છે, જ્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
મજૂરીના બહાને વૃદ્ધાને ફસાવી
મળતી માહિતી મુજબ, 65 વર્ષીય કમલા દેવી બાણમનવાસ વિસ્તારની રહેવાસી છે અને મકાન બાંધકામમાં કડિયા કામ કરે છે. ગત 5 ઓક્ટોબરે એક અજાણ્યા યુવકે કમલા દેવીનો સંપર્ક કર્યો અને તેમને ગંગાપુર સિટીમાં મજૂરીની લાલચ આપી હતી. ત્યાર બાદ, 8 ઓક્ટોબરે તે જ યુવકે ફોન કરીને કમલા દેવીને ગંગાપુર સિટી બોલાવ્યા. કમલા દેવી, તેમની વહુ સીમા, અને એક અન્ય પાડોશી મહિલા ઉગાતિ સાથે બુધવારે સવારે ગંગાપુર સિટી પહોંચ્યા, જ્યાં આ દર્દનાક ઘટના બની.
પોલીસે જણાવ્યું કે, આરોપીએ કમલા દેવીને તેની વહુ સીમા અને ઉગાતિથી અલગ કરી દીધી. આરોપીએ સીમા અને ઉગાતિને બાઇક પર બેસાડીને અન્ય સ્થળે ઉતારી દીધા અને કહ્યું કે તે કમલાને લઈને આવે છે. પરંતુ, તે કમલા દેવીને જંગલમાં લઈ ગયો. ત્યાં જઈને તેણે વૃદ્ધાના બંને પગના પંજા કાપી નાખ્યા અને આશરે દોઢ કિલો વજનના ચાંદીના કડાંની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો.
વૃદ્ધા આખી રાત દર્દથી પીડાતા રહ્યાં
જ્યારે લાંબા સમય સુધી કમલા દેવી પાછા ન ફર્યા, ત્યારે સીમાને આરોપી પર શંકા ગઈ અને તેણે પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની સાસુના અપહરણની ફરિયાદ નોંધાવી.
બીજા દિવસે સવારે, પોલીસને માહિતી મળી કે ઝાડીઓમાં એક મહિલા લોહીલુહાણ હાલતમાં પડેલી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં કમલા દેવી બેભાન અવસ્થામાં મળ્યા. તેમના બંને પગના પંજા કપાયેલા હતા અને પગમાં કડાં નહોતા. આ હિંસક લૂંટનો ભોગ બનેલા કમલા દેવી આખી રાત ઝાડીઓમાં દર્દથી કણસતા રહ્યાં હતાં.
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જયપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ અમાનવીય કૃત્ય આચરનાર આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ SDM ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકનો પીછો કરી રહ્યા હતા, માફિયાઓની બોલેરોએ તેમનું વાહન પલટી નાખ્યું
આ પણ વાંચોઃ ગુજરાત: SGST વિભાગના CAને ત્યાં દરોડા, રૂ. 560 કરોડનું બોગસ બિલિંગ રેકેટ ઝડપાયું












